Mon Apr 20 2026

Logo

ચાર ધામ યાત્રા 2026; 18.41 લાખ ભક્તોએ નોંધણી કરાવી, જાણો ક્યારે ખુલશે કપાટ

2 days ago
Author: Vimal Prajapati
Article Image

દેહરાદૂન:  ઉત્તરાખંડની ચારધામ યાત્રા માટે તારીખો જાહેર થઈ ગઈ છે. આ સાથે શ્રદ્ધાળુઓએ નોંધણી પણ શરૂ કરી દીધી છે. આંકડા પ્રમાણે અત્યાર સુધીમાં કુલ 18.41 લાખ ભક્તોએ ચારધામ યાત્રા માટે નોંધણી કરાવી છે. આવતીકાલથી આ યાત્રાનો પ્રારંભ થઈ રહ્યો છે. ગત 6 માર્ચથી જ ચારધામ યાત્રા 2026 માટે નોંધણી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી હતી. સૂત્રો દ્વારા એવું પણ જાણવા મળ્યું છે કે, જેમને નોંધણી બાકી રહી ગઈ છે, ઓનલાઈન નોંધણી કરાવી શક્યા નથી તેઓ યાત્રા ઓફલાઈન પણ નોંધણી કરાવી શકે છે. 

યમુનોત્રી ધામ અને ગંગોત્રી ધામના કપાટ આવતીકાલે ખુલશે

ચારધામ યાત્રાની વધારે વિગતે વાત કરવામાં આવે તો, આવતીકાલે એટલે કે, 19 એપ્રિલે અક્ષય તૃતીયાના શુભ પ્રસંગે યમુનોત્રી ધામ અને ગંગોત્રી ધામના કપાટ ખોલવામાં આવશે. આ સાથે કેદારનાથ ધામના કપાટ 22મી એપ્રિલે અને બદ્રીનાથ ધામના કપાટ 23મી એપ્રિલને ગુરુવારે ખોલવામાં આવશે. એટલું જ નહીં પરંતુ ચાર ધામ યાત્રા માટે બધા જ મંદિરોના કપાટની વાત કરવામાં આવે તો, 23મી એપ્રિલ સુધીમાં ખુલી જશે. 

ચાર ધામ યાત્રા માટે નોંધણી ફરજિયાત

ચાર ધામની યાત્રીએ જતા પહેલા એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે, ચાર ધામ યાત્રા માટે નોંધણી ફરજિયાત છે.  નોંધણી પ્રક્રિયા પૂર્ણ કર્યા વિના કોઈ પણ યાત્રામાં પ્રવેશ મળશે નહીં. એટલે ચાર ધામ યાત્રાનું આયોજન કરતા પહેલા નોંધણી ચોક્કસથી કરાવી લેજો. આના માટે તમે ઉત્તરાખંડ સરકારની સત્તાવાર વેબસાઈટ પર જઈને નોંધણી કરાવી શકો છે. તેના માટે તમારા આધારકાર્ડ નંબર, મોબાઈલ નંબર નાખીને તમારો ફોટો અપલોડ કરવાનો રહેશે. આ તમામ સ્ટેપ પૂર્ણ કર્યા બાદ તમે ફોર્મ સબમિટ કરશો એટલે એક ક્યૂઆર કોડ સાથે પાસ મળશે તેના આધારે તમને પ્રવેશ આપવામાં આવશે.