Mon Apr 20 2026

Logo

વૈશ્વિક અશાંતિ વચ્ચે આજથી ભારત-અમેરિકા વચ્ચે થશે 'ટ્રેડ ટૉક', શું ટેરિફ વિવાદ ઉકેલાશે?

Washington DC   1 hour ago
Author: MayurKumar Patel
Article Image

વોશિંગ્ટન ડીસીઃ ઈરાન-અમેરિકાની પાકિસ્તાનમાં શાંતિ મંત્રણા વચ્ચે વોશિંગ્ટનમાં ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ટૉક શરૂ થશે. ટેરિફ વિવાદના કારણે ફેબ્રુઆરીમાં આ બેઠક સ્થગિત કરવામાં આવી હતી. આજથી 22 એપ્રિલ સુધી યોજાનારી બેઠકનો હેતુ દ્વીપક્ષીય વ્યાપાર સમજૂતીના પ્રથમ તબક્કાને અંતિમ રૂપ આપવાનો છે. 12 સભ્યોનું પ્રતિનિધિમંડળ ઓક્ટોબર 2025 બાદ પ્રથમ વખત અમેરિકામાં સામ-સામે મંત્રણા કરશે.

ભારતના મુખ્ય વાર્તાકાર દર્પણ જૈનના નેતૃત્વમાં 20થી 22 એપ્રિલ સુધી વોશિંગ્ટનમાં આ વાતચીત થશે. જેમાં વાણિજય અધિકારીઓ પણ સામેલ થશે. આ વાતચીત અમેરિકાની સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ થઈ રહી છે. અમેરિકાની સુપ્રીમ કોર્ટે IEEPA અંગર્ગત લગાવવામાં આવેલા નવા ટેરિફને રદ્દ કર્યો હતો. જે બાદ અમેરિકાની ટેરિફ વ્યવસ્થામાં મોટો બદલાવ આવ્યો છે. અમેરિકાએ 24 ફેબ્રુઆરીથી 23 જુલાઈ સુધી તમામ દેશો પર 150 દિવસ માટે 10 ટકાનો અસ્થાયી ટેરિફ લાગુ કર્યો છે.

જેનું સૌથી મોટું કારણ તમામ વ્યાપારિક ભાગીદારો પર 10 ટકા અમેરિકન ટેરિફ લાગુ છે. અમેરિકાનો ટેરિફ 50 ટકાથી ઘટીને 18 ટકા થવાનો હતો. જેમાં રશિયાથી ઓઈલની ખરીદી પર લાગતો 25 ટકા દંડ પણ હટાવવાનું સામેલ છે. હાલ તે લગભગ સમાપ્ત થઈ ગયો છે.

સમજૂતી પર હજુ હસ્તાક્ષર નથી થયા, તેથી ભારત પાસે પુનર્વિચાર કરવાની તક છે.  નવા વૈશ્વિક ટેરિફ માળખા અંતર્ગત ભારતને નુકસાન ન થાય તે માટે સમજૂતીને ફરીથી ચેક કરવામાં આવશે.

ભારતનો હેતુ અમેરિકન બજારમાં પહેલાથી જ પ્રાપ્ત કોસ્ટ એડવાન્ટેજને ફરીથી હાંસલ કરવાનો છે.  ફેબ્રુઆરીમાં થયેલી સમજૂતી અંતર્ગત ભારતે અમેરિકાને અનેક છૂટછાટ આપી છે. જેમાં અમેરિકાની ઔદ્યોગિક વસ્તુઓ પર ટેરિફ હટાવવો કે ઓછો કરવા, કૃષિ ઉત્પાદન (માવા,ફળ, સોયાબીન તેલ, દારૂ અને સ્પિરિટ) પર ટેરિફ ઘટાડવો તથા અનેક નોન ટેરિફ અડચણો દૂર કરવી સામેલ હતી. તેના પર ફરીથી વિચારણા કરવામાં આવી શકે છે.

ભારત પહેલા 5 વર્ષમાં 500 અબજ ડૉલર સુધીનો અમેરિકન સામાન ખરીદવાની યોજનાનો સંકેત આપ્યો હતો. જેમાં ઊર્જા, વિમાન, સેમીકન્ડકટર ઈનપુટ, કિંમતી ધાતુઓ અને કોલસાનો સમાવેશ થતો હતો. સમજૂતી દરમિયાન આ યોજનાનું ફરીથી મૂલ્યાંકન થવાની શક્યતા છે.

અમેરિકન વ્યાપાર પ્રતિનિધિ દ્વારા કલમ 301 અંતર્ગત ભારત સહિત અન્ય દેશોમાં કથિત વધારે મેન્યુફેક્ચરિંગ કેપિસિટીને ટાર્ગેટ કરીને ચાલતી બે તપાસને મુખ્ય મુદ્દો બનાવવાની આશા છે. ભારતે આ તપાસનો વિરોધ કર્યો છે અને તેને પરત લેવા દબાણ બનાવી રહ્યું છે. 

ટેરિફ વિવાદના કારણે ફેબ્રુઆરીમાં મુખ્ય વાર્તાકારોની બેઠક સ્થગિત કરવામાં આવી હતી. અમેરિકામાં શરૂ થનારી મંત્રણા નવી શરૂઆત છે. સંપૂર્ણ રીતે બદલાયેલા વૈશ્વિક વ્યાપાર માહોલમાં આ બેઠક થઈ રહી છે.

2025-26માં ચીન ભારતનું સૌથી મોટું વ્યાપારિક ભાગીદારી બનીને સામે આવ્યા બાદ આ વાતચીત થઈ રહી છે. ભારતની અમેરિકાથી નિકાસ 0.92 ટકાથી વધીને 87.3 ડૉલર થઈ છે. અમેરિકાથી આયાત 15.93 ટકા વધીને 52.9 ડૉલર થઈ છે, ટ્રેડ સરપ્લસ 40.89 અબજ ડૉલરથી ઘટીને 34.4 અબજ ડૉલર થઈ છે.