ટોક્યો: આજે સોમવારે સાંજે (સ્થાનિક સમય મુજબ) ઉત્તર જાપાનમાં 7.4 ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ આવ્યો હતો, જેના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં સુનામી આવવાની શક્યતા છે, તંત્રએ સુનામી માટે ચેતવણી જાહેર કરી છે.
અધિકારીઓએ આપેલી ચેતવણી મુજબ ઇવાટે પ્રીફેક્ચર અને હોક્કાઇડોના વિસ્તારોમાં 3 મીટર સુધી ઊંચા સુનામીના મોજા પહોંચી શકે છે. અધિકારીઓએ સ્થાનિકોને ઊંચા વિસ્તારો તરફ પલાયન કરવા વિનંતી કરવામાં આવી છે. અધિકારીઓ સંભવિત નુકસાનનું મૂલ્યાંકન કરી રહ્યા છે અને ઈમરજન્સી સર્વિસ એલર્ટ પર રાખવામાં આવી છે.
તાત્કાલિક સ્થળાંતરના આદેશ:
એક એડવાઈઝરીમાં જણાવવામાં આવ્યું કે સુનામીના મોજા પહેલાથી જ દરિયાકાંઠાના વિસ્તારો તરફ આગળ વધી રહ્યા છે. આ મોજા દરિયાકાંઠાના વિસ્તારોમાં વારંવાર ત્રાટકશે, લોકોએ કોઈ પણ વિલંબ કર્યા વગર સ્થળાંતર કરવું જોઈએ. તમામ ચેતવણીઓ પાછી ખેંચવામાં આવે, ત્યાં સુધી સલામત સ્થળોએ રહેવું જોઈએ.
એડવાઈઝરીમાં જણાવવામાં આવ્યું કે સુનામીના મોજા આગાહી કરતા વહેલા અથવા મોડા આવી શકે છે અને અપેક્ષા કરતા વધારે ઊંચા પણ હોઈ શકે છે. લોકોને દરિયાકાંઠા અને નદીઓના મુખપ્રદેશોથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે.
ટોક્યો સુધી આંચકા અનુભવાયા:
સોમવારે બપોરે ઇવાટે પ્રીફેક્ચરના કિનારા પાસે પેસિફિક મહાસાગરમાં 7.4 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. સમગ્ર ઉત્તર જાપાનની જમીન ધ્રુજી ઉઠી, દક્ષિણમાં સેંકડો કિલોમીટર દૂર ટોક્યો સુધી આંચકા અનુભવાયા હતાં.
જાપાની હવામાન એજન્સીના જણાવ્યા અનુસાર, ભૂકંપ સ્થાનિક સમય મુજબ સાંજે 4:53 વાગ્યે આવ્યો હતો, જેનું કેન્દ્રબિંદુ પેસિફિક મહાસાગરમાં 10 કિલોમીટરની ઊંડાઈએ હતું.