તેહરાનઃ મિડલ ઈસ્ટમાં ફરી માહોલ તણાવગ્રસ્ત બની રહ્યો છે. હોર્મુઝ સ્ટ્રેટને લઈને ઈરાને પોતાનું પગલું લેતા ચિંતા વધી ગઈ છે. ઈરાને ફરી હોર્મુઝ સ્ટ્રેટ જળમાર્ગ બંધ કરી દેતા કેટલાય જહાજ પરત ફરી રહ્યા છે. ભારતીય જહાજ પણ વચ્ચેથી પાછા ફરી રહ્યા છે. હવે હોર્મુઝ સ્ટ્રેટની આસપાસના જળમાર્ગ ઉપર પણ સુરક્ષાનો સવાલ ઊભો થઈ રહ્યો છે. હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાન રીવોલ્યુશનરી ગાર્ડે બે જહાજ એટલે કે ટેન્કર પર ગોળીબાર કર્યો હતો. આ પછી બે ભારતીય જહાજ વચ્ચેના રસ્તેથી જ પરત ફરી ગયા છે. આ જહાજ પર 20 લાખ બેરલ ક્રૂડ ઓઈલ હતું.
હોર્મુઝ સ્ટ્રેટમાં વધતા તણાવ વચ્ચે, ભારતીય ધ્વજવાળા ટેન્કર 'સનમાર હેરાલ્ડ' તરફથી અંતિમ રેડિયો સંદેશ સામે આવ્યો છે, જે પરિસ્થિતિની ગંભીરતા પર ભાર મૂકે છે. અહેવાલો અનુસાર, ગોળીબારની ઘટના દરમિયાન, ટેન્કરના ક્રૂએ કહ્યું: "તમે મને આગળ વધવાની પરવાનગી આપી હતી; હવે તમે ગોળીબાર કરી રહ્યા છો. મને પાછા ફરવાની મંજૂરી આપો." આ સંદેશને પગલે, જહાજને તેનો માર્ગ બદલવાની અને પીછેહઠ કરવાની ફરજ પડી હતી.

ક્રૂ સ્ટાફ સુરક્ષિત
શનિવારે હોર્મુઝ સ્ટ્રેટ જળમાર્ગ ફરી બંધ કરી દેવામાં આવ્યો હતો. ઈરાને એલાન કર્યું હતું કે, ફરી હોર્મુઝ સ્ટ્રેટ પર નિયંત્રણ લાગુ કરી દેવાશે. ઈરાને દાવા સાથે વાત કરતા કહ્યું હતું કે, અમેરિકાએ ઈરાનના પોર્ટ પર અને જહાજ પર નાકાબંધી યથાવત રાખી છે. આ માટે હોર્મુઝ સ્ટ્રેટ જળમાર્ગ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. આ જાહેરાત બાદ ઈરાની સૈન્ય બોટ દ્વારા એક જહાજ નજીક આવ્યું અને હથિયારથી સજ્જ સૈનિકોએ જહાજ પર ગોળીબાર કરી દીધો હતો. યુકે મેરિટાઈમ ટ્રેડ ઑપરેશન સેન્ટરે જણાવ્યું હતું કે, જે ટેન્કર પર ગોળીબાર કરવામાં આવ્યો છે, એમાં કોઈને ગોળી વાગી નથી. ક્રૂ સ્ટાફ સંપૂર્ણ રીતે સુરક્ષિત છે.
જહાજ પરત ફર્યા
મિલિટરી સેન્ટરે આ જહાજનું નામ કે લોકેશન જેવી કોઈ વિગત જાહેર કરી નથી. વાવડ એવા પણ છે કે, આમાંથી એક જહાજ ભારતનું પણ છે. ટેન્કર ટ્રેકર્સ નામની વેબસાઈટ સમુદ્રમાં જહાજનું લોકેશન ટ્રેક કરે છે. આ વેબસાઈટના એક રિપોર્ટ અનુસાર ભારતીય જહાજ જે હોર્મુઝ સ્ટ્રેટ જળમાર્ગમાંથી પસાર થવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ફાયરિંગના મેસેજ મળતા જ બે જહાજ પરત ફર્યા છે. જે જહાજ પર 20 લાખ બેરલ ક્રૂડ ઓઈલ હતું એ ઈરાન પાસેથી ખરીદવામાં આવ્યું હતું. અન્ય દેશમાં પહોંચાડવાનું હતું પણ ગોળીબાર તથા હોર્મુઝ સ્ટ્રેટ બંધ થતા હવે રસ્તા વચ્ચે અટક્યું છે. હોર્મુઝ સ્ટ્રેટ જળમાર્ગ બંધ થતા ફરી એકવાર મિડલ ઈસ્ટમાં સ્થિતિ તણાવગ્રસ્ત છે.
સીઝફાયર ખતમ થશે
22 એપ્રિલના રોજ સીઝફાયર ખતમ થઈ રહ્યું છે. અમેરિકા અને ઈરાન વચ્ચે કોઈ સમજૂતી ન થઈ તો ફરી સ્થિતિ બગડી શકે એમ છે, જેની અસર ક્રૂડ ઓઈલ માર્કેટ પર પડી શકે છે. હોર્મુઝ સ્ટ્રેટ જળમાર્ગ ખૂબ સાંકળો સમુદ્રી રસ્તો છે, જે પર્શિયન ગલ્ફને બાકીના દેશ સાથે જોડે છે. ક્રૂડ ઓઈલના મોટા ભાગના જહાજ અહીંયાથી પસાર થાય છે.
હવે આ રસ્તો ફરી બંધ થતા દુનિયાના અનેક દેશ ચિંતામાં મૂકાયા છે. ખાસ કરીને એશિયા અને યુરોપના દેશની ચિંતા વધી ગઈ છે. સપ્લાય ચેઈનને ફરી કોઈ માઠી અસર થઈ શકે છે. ક્રૂડ ઓઈલની કિંમતમાં વધારો થઈ શકે છે. હાલમાં ઈરાન અને અમેરિકા વચ્ચે કોઈ હુમલા તો થતા નથી પણ હોર્મુઝ સ્ટ્રેટ બંધ થતા પરિસ્થિતિ વણસી છે.
એરસ્પેસ ખોલી પણ સુરક્ષાનું જોખમ
ઈરાનમાં બધુ સામાન્ય રીતે પાટા પર ચડી રહ્યું છે એવામાં હોર્મુઝ સ્ટ્રેટ બંધ થતા ચિંતા વધી ગઈ હતી. ઈરાને આંશિક રૂપે પોતાની એરસ્પેસ ખોલી નાખી છે. ફરી અહીંયાથી કોઈ ફ્લાઈટ પસાર થઈ શકે છે. પણ સુરક્ષાનું જોખમ હજુ પણ તોળાઈ રહ્યું છે. ખાસ કરીને સમુદ્રી વિસ્તાર પરથી પસાર થતા વિમાન હજુ પણ આ રૂટનો ઉપયોગ કરવાનું ટાળી રહ્યા છે. હોર્મુઝ સ્ટ્રેટ જળમાર્ગની આસપાસ હજુ પણ ઘણા બધા જહાજ ફસાયેલા છે.