Sun Apr 19 2026

Logo

દાહોદ અને સુરતમાં ઘરકંકાસમાં માતાઓએ સંતાનો સાથે આપઘાતનો પ્રયાસ કર્યો, માસૂમોના મોત

2 days ago
Author: Devayat Khatana
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ:
 ગુજરાતમાં ઘરકંકાસના બે અલગ અલગ બનાવોમાં માતાઓએ બાળકો સાથે આપઘાતના પ્રયાસની કાળજું કંપાવતી ઘટનાઓ પ્રકાશમાં આવી હતી. જેમાં દાહોદના વડભેડમાં પારિવારિક વિખવાદમાં માતાએ ચાર સંતાનો સાથે કૂવામાં કૂદીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં માતાનો બચાવ થયો હતો પરંતુ બાળકોના કરૂણ મોત નિપજ્યાં હતા. જ્યારે સુરતમાં દીકરીઓને ઝેરી દવા પીને પોતે પણ ગટગટાવી જનાર મહિલાનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. 

મળતી વિગતો અનુસાર, દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના વડભેડ ગામમાં ઘરકંકાસના કરુણ અંજામ રૂપે એક મહિલાએ પોતાના ચાર માસૂમ બાળકો સાથે કૂવામાં કૂદીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. વડભેડ ગામના રહેવાસી ચંપાબેન બિંદેશભાઈએ પારિવારિક વિખવાદથી કંટાળીને આ આત્યંતિક પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. આ ઘટનાની જાણ થતા જ સ્થાનિકો અને ગ્રામ આગેવાનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી, જેના કારણે માતાનો જીવ બચાવવામાં સફળતા મળી હતી. જોકે, આ દુર્ઘટનામાં અન્ય ત્રણ બાળકોના કરૂણ મોત નિપજતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. ઘટનાની જાણ થતાંની સાથે પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને વધુ તપાસ શરૂ કરી હતી.

અન્ય એક બનાવમાં સુરતના સિંગણપોર વિસ્તારમાં ઘરકંકાસથી કંટાળીને એક ૩૫ વર્ષીય મહિલાએ પોતાની પાંચ અને છ વર્ષની બે પુત્રીઓને ઝેર આપી પોતે પણ જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. મૂળ ભાવનગરના અને ડાયમંડ ફેક્ટરીમાં કામ કરતા જયસુખભાઈ પટેલિયાના પત્ની મિત્તલબેને અનાજમાં નાખવાની ઝેરી દવા પાણીમાં ભેળવી બંને દીકરીઓને પીવડાવી હતી અને ત્યારબાદ પોતે પણ તે ખાઈ ગયા હતા. ઝેર પીધા બાદ તેમણે તેના પતિને ફોન કરીને જાણ કરી હતી કે "મારે હવે નથી જીવવું, મેં ઝેર પી લીધું છે". ગંભીર હાલતમાં ત્રણેયને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન મહિલાનું મોત નીપજ્યું હતું, જ્યારે બંને બાળકીઓની હાલત સ્થિર હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે રસોઈ અને ઘરકામ જેવી નાની બાબતોમાં દંપતી વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા, જેના કારણે મિત્તલ સતત માનસિક તણાવમાં રહેતી હતી. ઘટનાના દિવસે જ્યારે પતિ કામે ગયા હતા ત્યારે મિત્તલે આ અંતિમ પગલું ભર્યું હતું. જયસુખભાઈ જ્યારે તેમના પિતરાઈ ભાઈ સાથે ઘરે પહોંચ્યા ત્યારે મોટી દીકરીએ રડતા રડતા જણાવ્યું હતું કે "મમ્મીએ અમને દવા પીવડાવી અને પોતે પણ પી લીધી છે". આ મામલે સિંગણપોર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને આત્મહત્યા પાછળ અન્ય કોઈ કારણો જવાબદાર છે કે કેમ તે દિશામાં ઝીણવટભરી તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું હતું.