Sun Apr 19 2026

Logo

ધર્મના આધારે મુસ્લિમોને અનામત આપવી 'ગેરબંધારણીય': લોકસભામાં અમિત શાહનું મોટું નિવેદન

2 days ago
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ લોકસભામાં મહિલા અનામત સંશોધન બિલ પર લોકસભામાં અખિલેશ યાદવના વસ્તી ગણતરી સાથે સંબંધિત સવાલનો જવાબ આપતા કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું. અખિલેશ યાદવે પૂછ્યું કે વસ્તી ગણતરી કેમ થઈ રહી નથી. હું આ ગૃહના માધ્યમથી દેશના લોકોને જણાવવા માંગુ છું કે વસ્તી ગણતરીનું કામ શરૂ થઈ ચૂક્યું છે. શાહે કહ્યું કે અખિલેશ યાદવે કહ્યું કે તેઓ જાતિ આધારિત વસ્તી ગણતરીની માંગ કરશે તો તેમને જણાવી દઉં કે સરકારે જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાનો નિર્ણય લઈ લીધો છે. વસ્તી ગણતરી જાતિ સાથે થઈ રહી છે.

વસ્તી ગણતરી સાથે જાતિની ગણતરી પણ કરાશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે મુસ્લિમોને ધર્મના આધારે અનામત આપવામાં આવશે નહીં, કારણ કે આવી અનામત ગેરબંધારણીય હશે. 40 મિનિટ સુધી ઉગ્ર ચર્ચા દરમિયાન લોકસભામાં મહિલાઓ માટે અનામત કાયદામાં સંશોધન અને સીમાંકન પંચની રચના કરવા માટેના ત્રણ બિલ રજૂ કરાયા હતા. અમિત શાહે કહ્યું કે ચાલી રહેલી વસ્તી ગણતરી દરમિયાન વસ્તી ગણતરી સાથે સાથે જાતિની ગણતરી પણ કરવામાં આવશે.

સમાજવાદી પાર્ટીના સાંસદોએ અનામતની માંગ કરી હતી

તેમણે કહ્યું હતું કે "મુસ્લિમ મહિલાઓને ધર્મના આધારે અનામત આપવાનો સવાલ જ ઉભો થતો નથી. આપણું બંધારણ ધર્મના આધારે અનામત આપવાની બિલકુલ મંજૂરી આપતું નથી. હું અમારી સરકારનો નિર્ણય સ્પષ્ટ કરવા માંગુ છું કે મુસ્લિમોને ધર્મના આધારે અનામત આપવામાં આવશે નહીં. આવી અનામત ગેરબંધારણીય છે." અગાઉ સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ અને ધર્મેન્દ્ર યાદવે મુસ્લિમોને અનામત આપવાની માંગ કરી હતી.

સરકારે જાતિની ગણતરી કરવાનો નિર્ણય લીધો છે

ગૃહમંત્રીએ કહ્યું કે સમાજવાદી પાર્ટીના સભ્યો કહી રહ્યા છે કે તેઓ જાતિ આધારિત વસ્તી ગણતરીની માંગ કરશે, પરંતુ હું તેમને જણાવવા માંગું છે કે સરકારે જાતિની ગણતરી કરવાનો નિર્ણય લઈ લીધો છે અને તે વસ્તી ગણતરી સાથે કરવામાં આવશે. હાલમાં ઘરોની ગણતરી ચાલી રહી છે અને ઘરોમાં કોઈ જાતિ હોતી નથી. જો સમાજવાદી પાર્ટીનું ચાલતું હોત તો તેઓ ઘરોની જાતિ પણ નક્કી કરી દેત."
 
શાહે એમ પણ કહ્યું કે "જો સમાજવાદી પાર્ટી તેની બધી ટિકિટ મુસ્લિમ મહિલાઓને આપે છે તો તેમાં શું વાંધો છે? અમને તેમાં કોઈ વાંધો નથી. તેમણે કહ્યું કે વસ્તી ગણતરી દરમિયાન અધિકારીઓ જાતિની ગણતરી માટે જોગવાઈ રાખશે જે હું વ્યક્તિગત રીતે પણ ઇચ્છું છું". હું સ્પષ્ટ કરવા માંગુ છું કે આ વસ્તી ગણતરી જાતિની ગણતરી સાથે હાથ ધરવામાં આવશે.

2027ની વસ્તી ગણતરી હેઠળ ઘરોની યાદી બનાવવાનું કામ 1 એપ્રિલથી શરૂ થયું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ રાજકીય બાબતોની કેબિનેટ સમિતિએ ગયા વર્ષે 30 એપ્રિલે આગામી વસ્તી ગણતરીમાં જાતિની ગણતરીનો સમાવેશ કરવાનો નિર્ણય લીધો હતો. સ્વતંત્રતા પછીથી હાથ ધરવામાં આવતી તમામ વસ્તી ગણતરી કામગીરીમાંથી જાતિને બાકાત રાખવામાં આવી હતી.