Sun Apr 19 2026

Logo

આખરે ઈઝરાયલ-લેબનાન વચ્ચે સીઝફાયર, USના આમંત્રણ પર 34 વર્ષ બાદ ભેગા થશે બે દેશના નેતા

Wasington dc   2 days ago
Author: Mumbai Samachar Team
Article Image

વોશિંગટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે સીઝફાયરનું એલાન કર્યા બાદ લેબનાન અને ઈઝરાયલના મોટા નેતાઓ સાથે સંવાદ કર્યો છે. ટ્રમ્પે કહ્યું હતું કે, સીઝફાયર બાદ મારી લેબનાનના રાષ્ટ્રપતિ જોસેફ આઉન અને ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂ સાથે ખૂબ સરસ વાત થઈ છે. બન્ને દેશના નેતાઓએ શાંતિ સ્થાપવા માટે સીઝફાયર પર સહમતી દર્શાવી દીધી છે. મિડલ ઈસ્ટમાંથી એક ગૂડ ન્યૂઝ મળી રહ્યા છે. 

10 દિવસ સુધી નહીં થાય હુમલા

લેબનાન અને ઈઝરાયલે 10 દિવસનું સીઝફાયરનું એલાન કર્યું છે. આ સીઝફાયરનું એલાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે કર્યું છે. અમેરિકાના પ્રેસિડેન્ટે એલાન કરતા કહ્યું હતું કે,મારી લેબનાનના રાષ્ટ્રપિત જોસેફ આઉન અને ઈઝરાયલના પ્રધાનમંત્રી બીબી નેતન્યાહૂ સાથે ઘણી સારી વાતચીત થઈ છે. આ બંન્ને દેશના નેતાઓએ એ વાત પર સહમતી વ્યક્ત કરી છે કે, બે દેશ વચ્ચે શાંતિ સ્થાપિત કરવા માટે ઔપચારિક રીતે 10 દિવસ સુધી યુદ્ધવિરામની શરૂઆત કરશે. અમેરિકી સમય અનુસાર આ યુદ્ધવિરામ સાંજે 5 વાગ્યે લાગુ થઈ જશે. આ સીઝફાયરનું એલાન એવા સમયે થઈ રહ્યું છે જ્યારે ઈઝરાયલના હુમલાથી મૃત્યું પામનારા લોકોની સંખ્યા 2196 સુધી પહોંચી છે. 

અમેરિકા આમંત્રણ આપી રહ્યું છે

ટ્રમ્પે આગળની વાત કરતા કહ્યું હતું કે, પાછલા 34 વર્ષોમાં પહેલીવાર એવું બન્યું છે કે, બંન્ને દેશના પ્રતિનિધિ વોશિંગટનમાં અમારા વિદેશમંત્રી માર્કો રૂબિયોને મળ્યા છે. મેં ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ અને વિદેશમંત્રી રૂબિયોને  જોઈન્ટ ચીફ ઓફ સ્ટાફના ચેરમેન સાથે મળીને ઈઝરાયલ અને લેબનાન સાથે કામ કરવાનો આદેશ આપ્યો છે. જેથી મિડલ ઈસ્ટમાં ફરી શાંતિને સ્થાપિત કરી શકાય. હું અહીંયા બન્ને દેશના નેતાઓને અમેરિકા આમંત્રિત કરીશ. વર્ષ 1983 બાદ ઈઝરાયલ અને લેબનાન વચ્ચે પહેલી સાર્થક વાતચીત થવા જઈ રહી છે. મારૂં એવું માનવું છે કે, ટૂંક જ સમયમાં આવું થશે અને એ ઝડપથી થશે. 

ટ્રમ્પના પ્રયાસના વખાણ થયા

લેબનાનના રાષ્ટ્રપતિના કાર્યાલય તરફથી એક્સ પર પોસ્ટ મૂકવામાં આવી છે કે, બપોરના સમયે અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ અને જોસેફ આઉન વચ્ચે ટેલિફોનિક વાતચીત થઈ છે. આ વાતચીત દરમિયાન રાષ્ટ્રપતિ આઉને લેબનાનમાં સંઘર્ષ વિરામ કરાવવા અને કાયમી શાંતિ તથા સ્થિરતા માટે ડૉનાલ્ડ ટ્રમ્પના પ્રયાસનો આભાર વ્યક્ત કર્યો છે. આ પ્રયાસના કારણે અહીંયા શાંતિ પ્રક્રિયાનો માર્ગ વધુ મોકળો અને સશક્ત થયો છે. તેમણે એવી ઈચ્છા વ્યક્ત કરી છે કે, આવા પ્રયાસોને આગળ પણ ચાલું રાખવામાં આવે. ટ્રમ્પે પણ આઉન અને લેબનાન પ્રત્યે પોતાનું સમર્થન જાહેર કર્યું છે. એ વાત પર ભાર મૂક્યો છે કે, લેબનાનની આ માગ ટૂંક સમયમાં પૂરી કરી દેવાશે. અમેરિકા આ માટે તૈયાર છે.