Thu May 21 2026

Logo

અમેરિકા-ઈરાન વચ્ચે શાંતિ મંત્રણાના બીજા રાઉન્ડના અહેવાલે વૈશ્વિક સોના-ચાંદીમાં ચમકારો

1 month ago
Author: Ramesh Gohil
Article Image

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ
વર્તમાન સપ્તાહે અમેરિકા અને ઈરાનના પ્રતિનિધિમંડળ વચ્ચે શાંતિ મંત્રણાનો બીજો રાઉન્ડ થશે એવા આશાવાદ સાથે આજે વિશ્વ બજારમાં બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં અને ડૉલર ઈન્ડેક્સમાં ઘટાડાતરફી વલણ રહેવાની સાથે લંડન ખાતે સત્રના આરંભે સોના અને ચાંદીના ભાવમાં સુધારાતરફી વલણ જોવા મળ્યું હોવાના અહેવાલ હતા. જોકે, આજે બાબા સાહેબ આંબેડકર જયંતીની જાહેર રજાને કારણે બૅન્કો ઉપરાંત ઈન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ એસોસિયેશન પણ બંધ રહ્યું હોવાથી સત્તાવાર ધોરણે સોના અને ચાંદીના ભાવની જાહેરાત ન થઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. 

આજે લંડન ખાતે સત્રના આરંભે ખાસ કરીને અમેરિકા-ઈરાન વચ્ચે મંત્રણાના બીજા રાઉન્ડના આશાવાદ સાથે એક તબક્કે સોનાના ભાવ ગઈકાલના બંધ સામે એક ટકો ઉછળી આવ્યા બાદ આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે ભાવ ગઈકાલના બંધ સામે 0.9 ટકા વધીને આૈંસદીઠ 4782.19 ડૉલર આસપાસ અને જૂન ડિલિવરી વાયદામાં ભાવ 0.8 ટકા વધીને 4804.70 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ 2.8 ટકાના ઉછાળા સાથે આૈંસદીઠ 77.65 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. 

અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ગઈકાલે અમેરિકી લશ્કર ઈરાનના બંદરો પર ઘેરાબંધી કરવા માટે સજ્જ હોવાનું જણાવીને યુદ્ધવિરામના સમયગાળામાં તહેરાનને ઉશ્કેર્યું હોવાથી યુદ્ધવિરામનો ભંગ થાય તેવી ભીતિને ધ્યાનમાં લેતા સોનાના ભાવ ઘટીને એક સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યા હતા. જોકે, આજે પાંચ સૂત્રોએ શાંતિ મંત્રણા માટે અમેરિકા અને ઈરાનનું પ્રતિનિધિમંડળ પુનઃ ઈસ્લામાદ જાય તેવી શક્યતા વ્યક્ત કરતાં ક્રૂડતેલના વાયદામાં અને ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ રહેતાં સોના-ચાંદીમાં સુધારાને ટેકો મળ્યો હતો.

એકંદરે હવે રોકાણકારો અને ટ્રેડરોની નજર મધ્યપૂર્વના દેશોની ગતિવિધી પર રહેશે. જોકે મારા મતે યુદ્ધવિરામ અને શાંતિ મંત્રણા સોના અને ચાંદી સહિતની કિંમતી ધાતુઓને ટેકો આપશે, એમ સાક્સો બૅન્કના કૉમૉડિટી સ્ટ્રેટેજી વિભાગના હેડ ઑલે હેન્સેને જણાવતાં ઉમેર્યું હતું કે આ ઉપરાંત સોના-ચાંદીને ડૉલર ઈન્ડેક્સની નરમાઈનો પણ ટેકો મળશે. નોંધનીય બાબત એ છે કે આજે ડૉલર ઈન્ડેક્સ ઘટીને એક મહિનાની નીચી સપાટીએ પહોંચ્યો હતો. તેમ જ ક્રૂડતેલના ભાવ પણ 1.39 ટકા ઘટીને બેરલદીઠ 97.97 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. 

અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે મધ્યપૂર્વના દેશમાં વિવાદ શરૂ થયો ત્યારથી અત્યાર સુધીમાં ક્રૂડતેલના ભાવમાં અંદાજે 40 ટકા જેટલો ઉછાળો આવ્યો છે અને ક્રૂડતેલના ભાવ વધી આવતા ફુગાવામાં વધારો થવાની સાથે અમેરિકી ફેડરલ રિઝર્વ પણ વ્યાજદરમાં કાપ મૂકે તેવી શક્યતા પાતળી થઈ જતાં સોનાના ભાવ પણ દબાણ હેઠળ આવ્યા હતા. વધુમાં આજે ક્રૂડતેલના ભાવમાં ઘટાડો આવતાં સીએમઈ ફેડ વૉચ ટૂલ પર અમેરિકી ફેડરલ રિઝર્વ વર્તમાન કેલેન્ડર વર્ષ 2026માં વ્યાજદરમાં એક વખત 25 બેસિસ પૉઈન્ટનો કાપ મૂકે તેવી 31 ટકા શક્યતા બજાર વર્તુળો મૂકી રહ્યા છે, જ્યારે ગઈકાલે 25 ટકા શક્યતા વ્યક્ત થઈ રહી હતી.