(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારીપત્રો પરત ખેંચવાના છેલ્લા દિવસે લગભગ 1000 જેટલા ઉમેદવારો ચૂંટણી મેદાનમાંથી બહાર નીકળી ગયા હતા. ચોક્કસ આંકડો મળ્યો નથી, પરંતુ મળતી માહિતી અનુસાર 1000 કરતા વધારે ફોર્મ પરત ખેંચાયા હતા. આ આંકડાને ધ્યાનમાં લઈએ તો અંદાજે 27,000 આસપાસ ઉમેદવારો લગભગ 9952 જેટલી બેઠક માટે પોતાનું નસીબ અજમાવશે.
રાજ્યમાં 26મી એપ્રિલે મતદાન થવાનું છે. મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં હવે લગભગ 27,000 જેટલા ઉમેદવારો ભાગ લેશે. બિનસત્તાવાર આંકડા અનુસાર 1500 જેટલા ઉમેદવારે ફોર્મ પાછા ખેંચ્યા, 11,000 જેટલાના ફોર્મ અલગ અલગ કારણોસર રદ થયા તો 350 કરતા વધારે ઉમેદવાર બિનહરિફ જાહેર થયા છે.
રાજ્યમાં છેલ્લા દિવસે ઘણા વિસ્તારોમાં રાજકીય પક્ષોના કાર્યકરો આમને સામને આવ્યા હતા. તમમ પક્ષોએ આરોપ-પ્રત્યારોપ પણ કર્યા હતા. આ વખતનો જંગ મુખ્યત્વે ભાજપ, કૉંગ્રેસ અને આપ વચ્ચે છે. આ ત્રિપાખીંયા જંગ માટે 26 એપ્રિલે મતદાન અને 28મી એપ્રિલે મતગણતરી થશે.