ભાવનગરઃ ભાવનગરમાં આગામી ચૂંટણી પૂર્વે રાજકીય માહોલ ગરમાયો છે. શહેરના વડવા-અ સીટ પરથી કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ભરતભાઈ રમેશભાઈ કાંમ્બડનું અપહરણ થયાની ચોંકાવનારી વિગત પ્રકાશમાં આવી છે. આ મામલે તેમના ભાઈ શૈલેષભાઈ કાંમ્બડે બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ મુજબ, ભરતભાઈ કાંમ્બડને કોંગ્રેસ પક્ષ તરફથી ટિકિટ મળી હતી, પરંતુ તેઓ ચૂંટણી લડવા ઈચ્છતા નહોતા. આ દરમિયાન ગત તા. 14/04/2026 ના રોજ સવારના આશરે સાડા આઠ વાગ્યાથી તેઓ ગુમ થયા હતા. પરિવારજનોએ શોધખોળ કરતા તેમનો ફોન સ્વીચ ઓફ આવ્યો હતો.
તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, આરોપીઓ હરદેવસિંહ અને લાલભા પ્રમુખે ભરતભાઈ પર દબાણ કરી, તેમના અસલ દસ્તાવેજો પડાવી લીધા હતા. ફરિયાદીએ આશંકા વ્યક્ત કરી છે કે આરોપીઓએ ભરતભાઈનું અપહરણ કરી કોઈ અજ્ઞાત સ્થળે ગોંધી રાખ્યા છે અને દબાણપૂર્વક કોરા કાગળો તથા દસ્તાવેજો પર સહીઓ કરાવી લીધી છે.
ફરિયાદી શૈલેષભાઈની કેફિયતને આધારે બોરતળાવ પોલીસે આરોપીઓવિરુદ્ધ બી.એન.એસ (બીએનએસ) ની કલમ 140(3), 142 અને 54 હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર મનસુખભાઈ રાજાભાઇ રાજપરા ચલાવી રહ્યા છે. ચૂંટણીના માહોલ વચ્ચે ઉમેદવારના અપહરણની આ ઘટનાએ સમગ્ર પંથકમાં ભારે ચર્ચા જગાવી છે.