Sat Sep 05 2026

Logo

ભાયખલાના પ્રાણીબાગ માટે સિંહની જોડી આપો: મેયરનો ગુજરાત વહીવટતંત્રને પત્ર

2026-03-04 12:44:00
Author: Sapna Desai
ભાયખલાના પ્રાણીબાગ માટે સિંહની જોડી આપો: મેયરનો ગુજરાત વહીવટતંત્રને પત્ર

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: એક દાયકાથી વધુ સમય સુધી  અને મુંબઈ મહાનગરપાલિકાના વારંવારના નિષ્ફળ પ્રયાસ બાદ મુંબઈનાં મેયર રીતુ તાવડેએ હવે પહેલ કરી છે, જેમાં તેમણે ભાયખલાના પ્રાણી સંગ્રહાલય માટે ગુજરાત વહીવટી તંત્રને એશિયાટિક સિંહની જોડી આપવાની વિનંતી કરી છે.  છેલ્લે ૨૦૧૪માં આફ્રિકન-એશિયાટિક ૧૬ વર્ષનો સિંહ જીમી લાંબી બીમારી બાદ મૃત્યુ પામ્યો ત્યારથી પ્રાણીબાગ સિંહ વગરનું છે. 

ભાયખલામાં આવેલા પ્રાણી સંગ્રહાલયમાં આફ્રિકન સિંહ અમર અને એશિયાઈ સિંહણ અનીતાને ત્યાં જન્મેલો જીમી પ્રાણીસંગ્રહાલયનો છેલ્લો સિંહ હતો, જે પર્યટકો માટે મુખ્ય આકર્ષણ હતો. થોડાં વર્ષો પહેલાં પાલિકા પ્રશાસને જૂનાગઢ અને ઈંદોર પ્રાણી સંગ્રહાલયમાંથી એક્સચેન્જ પ્રોગામ હેઠળ સિંહની બે જોડી મેળવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેના બદલામાં ઝેબ્રા આપવાની તૈયારી દર્શાવી હતી. પ્રાણી સંગ્રહાલયે  ગુજરાતના મુખ્ય વન સંરક્ષકને પણ એશિયાઈ સિંહની જોડી આપવા માટે વિનંતી કરી હતી પણ પાલિકાના તમામ પ્રયાસ નિષ્ફળ ગયા હતા.

મેયર રીતુ તાવડેએ ‘મુંબઈ સમાચાર’ને જણાવ્યું હતું કે તેમણે ગુજરાત પ્રાણી સંગ્રહાલય પ્રશાસનને ભાયખલા માટે એશિયાઈ સિંહ મોકલવાની વિનંતી કરતો પત્ર લખ્યો છે. પાલિકા તેના બદલામાં તેમને કોઈ પણ પક્ષીની જોડી આપી શકે છે. અગાઉ પાલિકાએ તેના બદલામાં ઝેબ્રા આપવાની તૈયારી દર્શાવી હતી પણ તે શક્ય નથી. તેથી દેશી-વિદેશી પ્રજાતિનાં પક્ષીઓ સિંહના બદલામાં આપવામાં આવશે. હાલમાં પ્રાણી સંગ્રહાલયમાં ૧૫ પૅંગ્વિન,૮૪ પ્રજાતિના સસ્તન પ્રાણીઓ અને ૧૫૭થી વધુ પક્ષીઓની પ્રજાતિ છે.
 
નોંધનીય છે કે હાલ મુંબઈના પ્રાણીબાગમાં મોટા પ્રમાણમાં વિસ્તરણનું કામ ચાલી રહ્યું છે. મુંબઈ ઝૂ એક્સપાન્શન પ્રોગામ હેઠળ પ્રશાસન ઓસ્ટ્રેલિયા, અમેરિકા અને આફ્રિકાથી વિદેશી પ્રાણીઓ મેળવવાની યોજના ધરાવે છે અને હાલ પ્રાણીબાગમાં પાંજરાનું કામ પણ ચાલી રહ્યું છે.