ભુજઃ કચ્છના મુંદરા તાલુકામાં વર્ષ ૨૦૨૩માં બનેલી એક અત્યંત અમાનવીય ઘટનામાં ભુજની સેશન્સ કોર્ટે સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો છે. દેવ દર્શને નીકળેલા ૬૫ વર્ષના વૃદ્ધાનું અપહરણ કરી, તેમના પર બર્બરતાપૂર્વક દુષ્કર્મ ગુજારી હત્યા કરનારા ૨૪ વર્ષીય સચિન માવજી કુંવરીયાને કોર્ટે 'રેરેસ્ટ ઓફ ધ રેર' કેસ ગણી ફાંસીની સજા ફટકારી છે.
માનવતાને શર્મસાર કરનારા આ બનાવની વિગત મુજબ, ગત ૨૨ ફેબ્રુઆરી ૨૦૨૩ના રોજ મુંદરાના રતાડીયા ગામે રહેતા ૬૫ વર્ષીય વૃદ્ધા પડોશના ચુકાલા ગામે રામદેવપીરના દર્શન કરવા એકલા નીકળ્યા હતા. દર્શન કરીને પરત ફરતી વખતે લુણી ગામના વતની અને હાલ નારાણપર રહેતા સચિન કુંવરીયાએ લિફ્ટ આપવાના બહાને તેમને પોતાની પલ્સર મોટરસાઇકલ પર બેસાડ્યા હતા. જોકે, સેવાના બદલે હેવાનીયત પર ઉતરી આવેલા આરોપીએ વૃદ્ધાને અવાવરુ જગ્યાએ લઈ જઈ તેમની પર બળાત્કાર ગુજાર્યો હતો અને બાદમાં પોતાની પાસે રહેલી લુંગીથી શ્વાસ રૂંધી તેમની ક્રૂર હત્યા કરી નાખી હતી.
વૃદ્ધા ઘરે પરત ન ફરતા પ્રાગપર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એસ. ત્રિવેદી અને તેમની ટીમે સીસીટીવી ફૂટેજ અને સાક્ષીઓના આધારે તપાસ તેજ કરી આરોપી સચિનની ધરપકડ કરી હતી. કેસમાં મહત્વના પુરાવાઓ તરીકે એફ.એસ.એલ.ના રિપોર્ટમાં આરોપીના બ્લડ સેમ્પલ અને વીર્યના નમૂના મૃતકના અવશેષો સાથે મેચ થયા હતા.
સાક્ષીએ મામલતદાર સમક્ષ આરોપીને ઓળખી બતાવ્યો હતો. પોલીસની તપાસમાં બહાર આવ્યું હતું કે આરોપી અત્યંત ગુસ્સાવાળો અને વિકૃત માનસિક્તા ધરાવતો હતો, જેના કારણે તેની પત્ની પણ તેને છોડીને જતી રહી હતી.
એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ જે.એ. ઠક્કર સમક્ષ ચાલેલા આ કેસમાં સરકારી વકીલ દિનેશ જે. ઠક્કરે ધારદાર દલીલો રજૂ કરી હતી. કોર્ટે નોંધ્યું કે આરોપીએ પોતાની માતાની ઉંમરની મહિલા સાથે આચરેલા આ જઘન્ય અપરાધ માટે તેને કોઈ પસ્તાવો નથી. જેલમાં પણ તેનું વર્તન સુધરે તેવું ન જણાતાં આરોપીને ભારતીય દંડ સંહિતાની કલમ આઈપીસીની કલમ ૩૦૨ હેઠળ મૃત્યુદંડ અને ૧ લાખનો દંડ, કલમ ૩૭૬-એ હેઠળ આજીવન કેદ અને ૧ લાખમાં દંડની સજા ફટકારી હતી અને મૃતકના વારસદારોને ૧૦ લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો.
અંદાજે અઢી દાયકા બાદ ભુજ કોર્ટે કોઈ આરોપીને ફાંસીની સજા ફટકારી છે. આ ચુકાદાને હવે અંતિમ મંજૂરી માટે ગુજરાત હાઈકોર્ટમાં મોકલવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે.