Sat Sep 12 2026

Logo

વિદ્યાર્થીઓ આતંકવાદીઓ હતા, પેલેટ ગન ચલાવવાનો કોણે આપ્યો આદેશઃ પ્રિયંકા ગાંધીનો સંસદમાં સરકારને સવાલ

2026-07-28 18:53:00
Author: Devayat Khatana
વિદ્યાર્થીઓ આતંકવાદીઓ હતા, પેલેટ ગન ચલાવવાનો કોણે આપ્યો આદેશઃ પ્રિયંકા ગાંધીનો સંસદમાં સરકારને સવાલ

નવી દિલ્હી: સંસદમાં પેપર લીક રોકવા માટે લાવવામાં આવેલા એન્ટિ પેપર લીક બિલ પર ચર્ચા દરમિયાન કોંગ્રેસનાં સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે વિદ્યાર્થીઓ પર થયેલા અત્યાચારનો મુદ્દો ઉઠાવતા સવાલ કર્યો હતો કે, દેશના યુવાનો પર પેલેટ ગન અને AK-47નો ઉપયોગ કરવાની શું જરૂર હતી? શું આ યુવાનો કોઈ આતંકવાદીઓ હતા? 
આ મુદ્દે લોકસભામાં હોબાળો મચી ગયો હતો અને તેના જવાબમાં  પ્રિયંકા ગાંધીએ સીધો સવાલ કર્યો કે આ આદેશ કોણે આપ્યો હતો વડા પ્રધાન કે ગૃહ પ્રધાન? તેમણે કહ્યું કે આ માત્ર કોંગ્રેસનો નહીં, પરંતુ સમગ્ર દેશનો સવાલ છે અને સરકારે તેનો જવાબ આપવો જ પડશે. તેમણે સરકારને સવાલ કર્યો કે તેઓ દેશના યુવાનોથી કેમ ડરે છે? વિદ્યાર્થીઓના સમર્થનમાં તેમણે કહ્યું કે કોઈની પીડાની મજાક ન ઉડાવવી જોઈએ. 

પ્રિયંકા ગાંધીએ સરકાર પર શિક્ષણ વ્યવસ્થામાં ઘૂસેલા દૂષણો પર ચર્ચા કરી હતી. આ દરમિયાન તેમણે આક્ષેપ કર્યો હતો કે  RSSના લોકોને ભરી દેવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો. આ ઉપરાંત, તેમણે NEET પરીક્ષાના આર્થિક પાસા પર પણ નિશાન સાધતા જણાવ્યું કે દેશનું કુલ શિક્ષણ બજેટ 1.4 લાખ કરોડ રૂપિયા છે, જ્યારે માત્ર NEET ના વિદ્યાર્થીઓ પાસેથી જ 1.32 લાખ કરોડ રૂપિયા ખેંચી લેવામાં આવે છે. શિક્ષણ બજેટ 1.4 લાખ કરોડ રૂપિયા સામે લાખો રૂપિયાની ઉદ્યોગપતિઓને લોન માફી કરવામાં આવી છે. આટલું થયા પછી પણ સરકાર માત્ર પોતાના PR, નેરેટિવ ચેન્જ અને પાલતુ મીડિયાના સહારે બચી જવાની વિચારસરણી ધરાવે છે તે અત્યંત અફસોસજનક છે.

તેમણે ધર્મેન્દ્ર પ્રધાનના સ્વાગત મુદ્દે પણ આક્ષેપ કર્યો હતો કે, શિક્ષણ પ્રધાનના રાજીનામા બાદ ગઇકાલે સંસદના મકર દ્વાર પર સત્તા પક્ષના નેતાઓ દ્વારા ઝિંદાબાદના નારા સાથે તેનું સ્વાગત કરવાં આવ્યું. તેમણે કહ્યું હતું કે એક તરફ મહારાષ્ટ્રમાં એક પરિવાર પોતાની દીકરીના મોતનો શોક મનાવી રહ્યો હતો, ત્યારે બીજી તરફ ભૂતપૂર્વ શિક્ષણ પ્રધાનનું એક સુપરસ્ટારની જેમ સ્વાગત કરવામાં આવી રહ્યું હતું, જ્યાં આંખોમાં શરમ હોવી જોઈએ, ત્યાં સન્માન થઈ રહ્યું છે. 

રોજગારી અને પરીક્ષા પ્રણાલી અંગે પ્રિયંકાએ જણાવ્યું કે આ સરકારે રોજગાર પેદા કરતા તમામ સેક્ટરોને નબળા પાડી દીધા છે. છેલ્લા દાયકામાં 152 વખત પેપર લીક થયા છે, જેનાથી કરોડો વિદ્યાર્થીઓ પ્રભાવિત થયા છે, છતાં એક પણ દોષિત કે પેપર લીક માફિયાને આજદિન સુધી સજા કરવામાં આવી નથી. આ દરમિયાન પ્રિયંકા ગાંધીએ પ્રહલાદ જોશી પર કરેલી ટિપ્પણી પર ભારે હોબાળો મચી ગયો હતો. NDAના સભ્યો તેમજ પ્રહલાદ જોશીએ પ્રિયંકા ગાંધીને માફી માંગવાની અપીલ કરી હતી. આ સાથે તેમણે પેપર લીક કરનારાઓ વિરુદ્ધ કામગીરી નથી કરવાં આવી તેવી કામગીરી આંદોલનના બાળકોની ઓળખ કરવામાં આવી રહી છે. 

અંતમાં પ્રિયંકા ગાંધીએ વડા પ્રધાનને પોતાના સલાહકારો બદલવાની સલાહ આપતા કટાક્ષ કર્યો હતો કે માત્ર કમિટી બનાવવાથી કંઈ નહીં થાય, કારણ કે કમિટીમાં ગૌમૂત્રના વિશેષજ્ઞો પણ બેઠા છે. તેમણે સ્પષ્ટ કર્યું કે માત્ર બિલ લાવવાથી પેપર લીક નહીં અટકે અને આજની Gen Z આવા જૂઠાણાં ક્યારેય સહન કરશે નહીં. સિસ્ટમમાં શિક્ષિત લોકોને લાવવાની અપીલ કરતા તેમણે ઉમેર્યું કે, વડા પ્રધાન દ્વારા પેપર લીક માટે ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરવાની વાત કરવામાં આવી છે, પરંતુ આ ફાસ્ટ ટ્રેક કોર્ટનો અગાઉનો રેકોર્ડ પહેલેથી જ ખૂબ ખરાબ રહ્યો છે.