Thu Apr 30 2026

Logo

ઓસ્કરની પાર્ટીમાં પ્રિયંકા-ઈશા અંબાણીની ધમાલ: નિક જોનસની 'સેલ્ફી' સોશિયલ મીડિયા પર વાયરલ...

2026-03-17 15:31:37
Author: Tejas rajpara
Article Image

મુંબઈ: બોલીવુડથી હોલીવુડ સુધી વિશ્વભરમાં નામના મેળવનાર ગ્લોબલ આઇકોન પ્રિયંકા ચોપરા જોનસે ફરી આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતનું માન વધાર્યું છે. 98માં એકેડેમી એવોર્ડ્સ (Oscars 2026)માં પ્રિયંકા માત્ર એક મહેમાન તરીકે નહીં, પરંતુ એક મહત્વપૂર્ણ પ્રેઝન્ટર તરીકે પણ જોવા મળી હતી. આ ભવ્ય સમારોહમાં તેની હાજરી જેટલી ચર્ચાઈ હતી, તેનાથી વધુ ચર્ચા ઈશા અંબાણી અને તેના પરિવાર સાથેની તેની ખાસ બોન્ડિંગની થઈ રહી છે. ઓસ્કર બાદ યોજાયેલી આફ્ટર-પાર્ટીમાં પ્રિયંકા અને ઈશાની તસવીરો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

ઓસ્કર 2026ના મંચ પર પ્રિયંકાએ દિગ્ગજ અભિનેતા જેવિયર બાર્ડેમ સાથે મળીને 'બેસ્ટ ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ'નો એવોર્ડ એનાયત કર્યો હતો. કાર્યક્રમ પૂરો થયા બાદ યોજાયેલી 'વેનિટી ફેર આફ્ટર-પાર્ટી'માં પ્રિયંકા અને તેના પતિ નિક જોનસે શાનદાર એન્ટ્રી કરી હતી. આ દરમિયાન પ્રિયંકાએ ઈશા અંબાણી અને આનંદ પીરામલ સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન કર્યો હતો. નિક જોનસે લીધેલી એક સેલ્ફીમાં પ્રિયંકા અને ઈશાનો અતૂટ પ્રેમ છલકાતો હતો. ફેશનની વાત કરીએ તો પ્રિયંકા સ્ટેલા મેકકાર્ટનીના મેટાલિક ગાઉનમાં હોલીવુડ ક્લાસિક લુકમાં તૈયાર હતી, જ્યારે ઈશા અંબાણીએ ગોથિક સ્ટાઈલના કસ્ટમ આઉટફિટમાં સૌનું ધ્યાન ખેંચ્યું હતું.

પ્રિયંકા ચોપરા અને અંબાણી પરિવાર વચ્ચેના સંબંધો વર્ષો જૂના અને અત્યંત ગાઢ છે. ઈશા અંબાણી ઘણીવાર જાહેરમાં કહી ચૂકી છે કે તે પ્રિયંકાને પોતાની મોટી બહેન અને માર્ગદર્શક માને છે. જ્યારે ઈશા અમેરિકામાં અભ્યાસ કરતી હતી ત્યારથી આ બંનેની મિત્રતા શરૂ થઈ હતી, જે આજે પણ એટલી જ મજબૂત છે. ઈશા માટે પ્રિયંકા માત્ર એક રોલ મોડેલ જ નહીં, પરંતુ એક એવી મેન્ટર છે જેની સાથે તે જીવનના મહત્વના નિર્ણયો શેર કરે છે. ઓસ્કર જેવા મોટા મંચ પર તેમની આ એકતા આ જ અતૂટ સંબંધની સાક્ષી પૂરે છે.

પ્રિયંકા ચોપરાના ફેન્સ માટે સૌથી મોટા સમાચાર એ છે કે તે લગભગ આઠ વર્ષ બાદ ભારતીય સિનેમામાં વાપસી કરી રહી છે. પ્રિયંકા એસ.એસ. રાજામૌલીની આગામી ફિલ્મ 'વારાણસી'માં મુખ્ય ભૂમિકા ભજવશે. આ એક ટાઈમ-ટ્રાવેલ એક્શન-એડવેન્ચર ફિલ્મ છે, જેમાં સાઉથ સુપરસ્ટાર મહેશ બાબુ અને પૃથ્વીરાજ સુકુમારન પણ મહત્વના રોલમાં છે. ફિલ્મમાં મહેશ બાબુ 'ભગવાન રામ'ના અવતારમાં જોવા મળશે, જેનું ટીઝર પહેલેથી જ ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યું છે. આ ફિલ્મ એપ્રિલ 2027માં રિલીઝ થવાની શક્યતા છે.

ભારતીય ફિલ્મો ઉપરાંત પ્રિયંકા હોલીવુડમાં પણ એક્ટિવ છે. તાજેતરમાં તેની એક્શન ફિલ્મ 'ધ બ્લફ'માં તેના સાહસિક અભિનયના ખૂબ વખાણ થયા હતા. આ સાથે જ તે રુસો બ્રધર્સની લોકપ્રિય વેબ સિરીઝ 'સિટાડેલ'ની બીજી સીઝનના શૂટિંગમાં પણ વ્યસ્ત છે. પ્રિયંકા જે રીતે આંતરરાષ્ટ્રીય અને ઘરેલું એમ બંને સ્તરે પોતાની કારકિર્દીનું સંતુલન જાળવી રહી છે તે ખરેખર પ્રશંસનીય છે. આવનારા વર્ષોમાં પ્રિયંકાના આ મોટા પ્રોજેક્ટ્સ તેને ફરી બોક્સ ઓફિસની ક્વીન સાબિત કરી શકે.