Sat Sep 12 2026

Logo

ડોંબિવલીમાં ખાનગી હૉસ્પિટલના માલિક સાથે 10 લાખ રૂપિયાની ઠગાઇ: બે જણ વિરુદ્ધ ગુનો

2026-03-08 16:56:00
Author: Yogesh D. Patel
ડોંબિવલીમાં ખાનગી હૉસ્પિટલના માલિક સાથે 10 લાખ રૂપિયાની ઠગાઇ: બે જણ વિરુદ્ધ ગુનો

થાણે: થાણે જિલ્લામાં ખાનગી હૉસ્પિટલના માલિક સાથે 10 લાખ રૂપિયાની છેતરપિંડી આચરવા બદલ બે જણ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

પોલીસમાં નોંધાવાયેલી ફરિયાદ અનુસાર આરોપીઓએ 2016માં ડોંબિવલી સ્થિત હૉસ્પિટલની તબીબી સેવાઓ માટે 10 વર્ષની ભાગીદારી કરી હતી, જેમાં 63.20 લાખ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું હતું. 2017થી 2021 દરમિયાન તેમને 1.28 કરોડ રૂપિયાનો નફો અને વળતર મળ્યું હતું. આરોપીઓએ પાછળથી અચાનક ભાગીદારી છોડી દીધી હતી. તેમણે વધુ રૂપિયાની માગણી કરી હતી અને ખોટા બહાના હેઠળ હૉસ્પિટલના માલિક પાસેથી એક કરોડ રૂપિયાના ચેક લઇ લીધા હતા. તેમણે આમાંથી 10 લાખ રૂપિયા કાઢી લીધા હતા. જોકે ગેરરીતિની શંકાને કારણે બાકીના ચેકથી તેઓ પૈસા કાઢી શક્યા નહોતા.

આરોપીઓએ પહેલેથી જ તેમના રોકાણ કરતાં વધુ રકમ વસૂલી લીધી હતી. આમ છતાં તેઓ છેતરપિંડી આચરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તેમણે તબીબી વ્યવસાયમાં ફરિયાદીને બદનામ કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. 
દરમિયાન આ પ્રકરણે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવતાં શુક્રવારે બંને આરોપી સામે ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસની અમે તપાસ કરી રહ્યા છીએ, એમ સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર ગણેશ જાવડવાડે કહ્યું હતું. (પીટીઆઇ)