1થી 25 માર્ચ દરમિયાન મલયેશિયાની પામતેલની નિકાસમાં 38 ટકાનો વધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ શિકાગો ખાતે ગઈકાલે સોયાતેલના વાયદામાં 15 સેન્ટનો સુધારો આવ્યો હોવાના ઓવરનાઈટ અહેવાલ હતા, જ્યારે આજે મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે ક્રૂડ પામતેલના વાયદામાં 41 રિંગિટ ઘટી આવ્યા હતા. આમ વૈશ્વિક મિશ્ર અહેવાલ સાથે સ્થાનિક જથ્થાબંધ ખાદ્યતેલ બજારમાં હાજર, ડાયરેક્ટ ડિલિવરી અને સેલરિસેલ ધોરણે માગ નિરસ રહેતાં હાજરમાં દેશી-આયાતી તેલના ભાવમાં 10 કિલોદીઠ રૂ. 10થી 25નો ઘટાડો આવ્યો હતો.
આજે કાર્ગો સર્વેયર ઈન્ટરટેક સર્વિસીસ દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રાથમિક આંકડાકીય માહિતી અનુસાર ગત તા. 1તી 25 માર્ચ દરમિયાન મલયેશિયાની પામતેલની નિકાસ આગલા ફેબ્રુઆરી મહિનાના 10,22,673 ટન સામે 38.36 ટકા વધીને 14,14,990 ટનની સપાટીએ રહી હોવાનું જણાવ્યું હતું.
આજે સ્થાનિકમાં ડાયરેક્ટ ડિલિવરી શરતે 10 કિલોદીઠ એડબ્લ્યુએલના આરબીડી પામોલિનના રૂ. 1445, સોયા રિફાઈન્ડના રૂ. 1525 અને સન રિપાઈન્ડના રૂ. 1760, ગોકુલ એગ્રોના સન રિફાઈન્ડના રૂ. 1700, પતંજલિ ફૂડ્સના આરબીડી પામોલિન અને સન રિફાઈન્ડના એપ્રિલ ડિલિવરી શરતે અનુક્રમે રૂ. 1445 અને રૂ. 1690, ગોલ્ડન એગ્રીના આરબીડી પામોલિનના રૂ. 1465, ઈમામીના આરબીડી પામોલિન અને સોયા રિફાઈન્ડના અનુક્રમે રૂ. 1430 અને રૂ. 1520 તથા રિલાયન્સ ક્નઝ્યુમરનાં સોયા રિફાઈન્ડના મે-જૂન ડિલિવરી શરતે રૂ. 1465થી 1485 અને એપ્રિલ-મે ડિલિવરી શરતે સન રિફાઈન્ડના રૂ. 1700 ક્વૉટ થઈ રહ્યા હતા, પરંતુ વેપારનો અભાવ હતો.
આજે મધ્ય પ્રદેશનાં મથકો પર સોયાસીડની અંદાજે 60,000 ગૂણીની આવક સામે મંડીમાં વેપાર ક્વિન્ટલે રૂ. 5250થી 5450માં અને પ્લાન્ટ ડિલિવરી શરતે રૂ. 5500થી 5600માં થયા હતા, જ્યારેે ગુજરાતનાં મથકો પર દેશાવરોની માગને ટેકે સિંગતેલમાં તેલિયા ટીનના વેપાર 15 કિલોદીઠ રૂ. 2750માં લૂઝમાં 10 કિલોદીઠ રૂ. 1735માં ટકેલા ધોરણે થયા હતા.આજે હાજરમાં દેશી-આયાતી ખાદ્યતેલના 10 કિલોદીઠ ભાવમાં આરબીડી પામોલિનના રૂ. 1440 સોયા રિફાઈન્ડના રૂ. 1540, સન રિફાઈન્ડના રૂ. 1720, સિંગતેલના રૂ. 1770, કપાસિયા રિફાઈન્ડના રૂ. 1460 અને સરસવના રૂ. 1510ના મથાળે રહ્યા હતા.