Wed Sep 30 2026

Logo

પ્રેમાનંદ મહારાજના શિષ્યએ ચાર માળથી કૂદીને આપ્યો જીવ, પ્રાઇવેટ પાર્ટ કપાયેલો મળતા રહસ્ય ઘેરું!

2026-09-26 16:26:40
Author: Devayat Khatana
પ્રેમાનંદ મહારાજના શિષ્યએ ચાર માળથી કૂદીને આપ્યો જીવ, પ્રાઇવેટ પાર્ટ કપાયેલો મળતા રહસ્ય ઘેરું!

મથુરા: વૃંદાવનના વારાહઘાટ સ્થિત 'ગુરુ કૃપા કુંજ' આશ્રમમાં એક અત્યંત શંકાસ્પદ અને દુઃખદ ઘટના સામે આવી છે. અહીં પ્રેમાનંદ મહારાજથી દીક્ષિત 25 વર્ષીય યુવા સાધુ દીપક ઉર્ફે રસિક દુલારી શરણે શુક્રવારે સવારે ચાર માળની ઇમારત પરથી છલાંગ લગાવી દીધી હોવાના અહેવાલ મળ્યા છે. મૃતકને ગંભીર ઇજાઓ પહોંચવાથી સારવાર દરમિયાન હોસ્પિટલમાં તેનું મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ સમગ્ર સંત સમાજ અને વિસ્તારમાં ભારે હડકંપ મચી ગયો છે. મૃતક દીપક મૂળ મધ્યપ્રદેશના જબલપુરનો રહેવાસી હતો અને બે વર્ષ પહેલાં જબલપુરમાં મન ન લાગવાને કારણે વૃંદાવન આવ્યો હતો.

આ બનાવમાં સૌથી મોટું અને ચોંકાવનારું રહસ્ય એ છે કે મૃતક સાધુનું પ્રાઇવેટ પાર્ટ કપાયેલું હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું. પોલીસ તપાસ દરમિયાન દીપકના રૂમમાંથી લોહીથી ખવાયેલું એક ગ્રાઇન્ડર મળી આવ્યું છે, જેનાથી આ કૃત્ય આચરવામાં આવ્યું હોવાની આશંકા સેવાએ રહી છે. આસપાસના સીસીટીવી ફૂટેજમાં મૃતક ટોપ ફ્લોર પરથી નીચે કૂદતો સ્પષ્ટ નજરે પડે છે. જો કે, તેણે આવું અંતિમ પગલું કેમ ભર્યું અને તેનું પ્રાઇવેટ પાર્ટ કેવી રીતે કપાયું તે હજુ સુધી સંપૂર્ણ અસ્પષ્ટ છે. આ કૃત્ય દીપકે જાતે કર્યું છે કે પછી કોઈ અન્ય વ્યક્તિ સંડોવાયેલી છે, તે તપાસનો મુખ્ય વિષય છે.

બનાવ અંગે માહિતી મળતાની સાથે જ સ્થાનિક પોલીસ અને ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે રૂમમાંથી મૃતકની ડાયરી અને મોબાઈલ ફોન કબજે કરીને કોલ ડેટા અને અન્ય વિગતોની ચકાસણી શરૂ કરી દીધી છે. એસપી સીએ અને કોતવાલી પ્રભારીના જણાવ્યા મુજબ, ઇમારતની આસપાસના તમામ સીસીટીવી ફૂટેજને બારીકાઈથી ચેક કરવામાં આવી રહ્યા છે જેથી સત્ય બહાર આવી શકે.

ઘટનાની જાણ થતા પોલીસે મૃતકના પરિવારજનોને જાણ કરી હતી. પરિવારના જણાવ્યા અનુસાર દીપકની ધાર્મિક રૂચિ ઘણી હતી અને વૃંદાવન આવતા પહેલા તેણે નર્મદા પરિક્રમા પણ કરી હતી. હાલ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને પરિવારજનોની પૂછપરછ શરૂ કરી છે અને આ રહસ્યમય મોત પાછળના સાચા કારણો શોધવા માટે સઘન તપાસ હાથ ધરી છે.