Sun Jun 07 2026

Logo

પવઈમાં રિક્ષાવાળાને બદલે ભૂલથી પ્રૌઢને પતાવી નાખ્યો: આરોપી સુરતમાં પકડાયો

2026-05-27 18:01:32
Author: Yogesh C Patel
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સપ્તાહ પહેલાં રિક્ષાવાળાએ કરેલી મારપીટનો બદલો લેવા મિત્ર સાથે ઘટનાસ્થળે ગયેલા યુવકે ગફલતમાં પ્રૌઢની કરપીણ હત્યા કરી હતી. હત્યા બાદ ફરાર થઈ ગયેલા યુવકને ક્રાઈમ બ્રાન્ચે ગુજરાતના સુરત શહેરમાંથી પકડી પાડ્યો હતો.ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-10ના ઇન્ચાર્જ વિશાલ રાજેની ટીમે પકડી પાડેલા આરોપીની ઓળખ દીપક ઉર્ફે દીપુ નથુપ્રસાદ વર્મા (26) તરીકે થઈ હતી. તેને સુરતમાં જીઆઈડીસીના પુષ્પક નગરમાંથી બુધવારે તાબામાં લેવાયો હતો. વધુ કાર્યવાહી માટે આરોપીને પવઈ પોલીસને સોંપાયો હતો.

પોલીસના જણાવ્યા મુજબ પવઈમાં સાકીવિહાર રોડ પરના તુંગા ગાવ ખાતેથી રવિવારે એક રિક્ષા પાસેથી યુસુફ (55)નો મૃતદેહ મળી આવ્યો હતો. તીક્ષ્ણ હથિયારથી છાતી પર ઘા કરી તેની હત્યા કરવામાં આવી હતી. આ પ્રકરણે પવઈ પોલીસે અજાણ્યા શખસ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો હતો, જેની સમાંતર તપાસ ક્રાઈમ બ્રાન્ચે હાથ ધરી હતી.આરોપીના આવવા-જવાના માર્ગ પરના 100થી વધુ સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ પોલીસે તપાસ્યા હતા. આરોપીની ઓળખ થયા પછી તેને ટ્રેસ કરવામાં આવી રહ્યો હતો. ટેક્નિકલ બાબતો અભ્યાસ કરી તે સુરતમાં હોવાની જાણકારી મેળવાઈ હતી. પોલીસની એક ટીમે સુરત જઈ તેને પકડી પાડ્યો હતો.

પ્રાથમિક પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે ઘટનાની આગલી રાતે તુંગા ગાવમાં જ રહેતા મુખ્ય આરોપી વર્માનો રિક્ષાવાળા સાથે વિવાદ થયો હતો. તે સમયે બેથી ત્રણ રિક્ષાવાળાએ વર્માની મારપીટ કરી હતી. આનો બદલો લેવાને ઇરાદે ઉત્તર પ્રદેશનો વતની વર્મા તેના ગામના મિત્ર સાથે ઘટનાસ્થળે ગયો હતો. રિક્ષાની નજીક સૂતેલો યુસુફ રિક્ષાવાળો હોવાનું માની તેણે તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો. આરોપીએ કબૂલ્યું હતું કે ઓળખવામાં થયેલી ભૂલને કારણે યુસુફે જીવ ગુમાવ્યો હતો. આરોપીના ફરાર સાથીની શોધમાં પોલીસની એક ટીમ યુપી ગઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.