Sun Sep 13 2026

Logo

મુંબઈ-થાણેથી 3.39 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું: બે જણની ધરપકડ

2026-07-28 16:38:20
Author: Yogesh D. Patel
મુંબઈ-થાણેથી 3.39 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું: બે જણની ધરપકડ

મુંબઈ: મુંબઈ અને થાણેમાં પોલીસે 3.39 કરોડ રૂપિયાનું મેફેડ્રોન ડ્રગ્સ પકડી પાડીને બે જણની ધરપકડ કરી હતી. થાણે ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-1ના અધિકારીઓને માહિતી મળી હતી કે કલ્યાણ ફાટા નજીક હોસ્પિટલ પાસે સોમવારે એક વ્યક્તિ ડ્રગ્સ વેચવા માટે આવવાની છે. આથી પોલીસ ટીમે એ સ્થળે છટકું ગોઠવ્યું હતું અને શંકાને આધારે રિક્ષાને આંતરી હતી. રિક્ષામાં હાજર યુવકને તાબામાં લીધા બાદ તેની ઝડતી લેવાતાં 3.04 કરોડ રૂપિયાનું મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું.

યુવકની ઓળખ સલમાન મુન્ના શેખ તરીકે થઇ હતી, જે મુંબ્રા બાયપાસ રોડ પર સૈનિક નગરમાં આવેલી મુસ્તફા ચાલમાં રહે છે. સલમાન શેખ વિરુદ્ધ શિળડાયઘર પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. સલમાન શેખને ડ્રગ્સ સપ્લાય કરનારી વ્યક્તિને પોલીસે ઓળખી કાઢી હતી અને તેની શોધ ચાલી રહી છે. સલમાનને બાદમાં કોર્ટમાં હાજર કરાતાં તેને 31 જુલાઇ સુધીની પોલીસ કસ્ટડી ફટકારાઇ હતી. મુન્ના શેખ વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો દાખલ હોવાનું તપાસમાં જણાયું હતું.

દરમિયાન મુંબઇ ક્રાઇમ બ્રાન્ચના એન્ટિ-નાર્કોટિક્સ સેલ (એએનસી)ના વરલી યુનિટે સોમવારે મધરાતે બાંદ્રા પૂર્વમાં કલાનગર જંકશન પર યુવકને શંકાને આધારે આંતર્યો હતો. તેની તલાશી લેવાતાં 35.50 લાખ રૂપિયાનું મેફેડ્રોન મળી આવ્યું હતું. યુવકે ડ્રગ્સ ક્યાંથી મેળવ્યું હતું તેની તપાસ ચાલી રહી હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.