ભરત ભારદ્વાજ
પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (પોક)માં લોકો પાકિસ્તાની આર્મી અને સરકાર સામે ઉગ્ર આંદોલન ચલાવી રહ્યાં છે અને લાખો લોકો રસ્તા પર ઊતરી આવ્યા છે ત્યારે પાકિસ્તાન સરકારે આંદોલનને દબાવી દેવા નવો દાવ ખેલ્યો છે. પાકિસ્તાન આર્મી આ આંદોલનને દબાવી દેવા માટે મથી રહ્યું છે પણ લોકોનો આક્રોશ એટલો પ્રચંડ છે કે સફળ નથી થઈ રહી એટલે પાકિસ્તાન સરકારે પીઓકેનાં લોકોને ડરાવવા માટે પોતાના પીઠ્ઠુ એવાં આતંકવાદી સંગઠનોને મેદાનમાં ઉતાર્યાં છે.
આતંકવાદી સંગઠનોએ તાત્કાલિક પીઓકેના મુખ્ય શહેર મુઝફ્ફરાબાદમાં ‘જમાત-એ-ઇસ્લામી’ની બેઠક કરી અને પછી જાહેર સભા પણ કરી. આ જાહેર સભામાં પીઓકેનાં લોકોના અધિકારો માટે લડી રહેલી ‘જોઇન્ટ અવામી એક્શન કમિટી’ (JAAC) ને ભારતના દલાલોની બનેલી સમિતી ગણાવી દીધી. સામાન્ય રીતે આતંકવાદી સંગઠનોની જાહેર સભામાં ભારત સામે ઝેર ઓકાતું હોય છે પણ આ સભામાં ‘જોઇન્ટ અવામી એક્શન કમિટી’ (JAAC) ને નિશાન બનાવીને ઝેર ઓકાયું. જેએસીસીના નેતાઓ વિરુદ્ધ પણ બેફામ આક્ષેપબાજી થઈ ને તેનો અર્થ એ જ થાય કે, આ આખો ડ્રામા પાકિસ્તાનના ઈશારે થઈ રહ્યો છે.
આતંકવાદીઓના આકાઓએ જેએસીસી પાકિસ્તાન સાથે ‘ગદ્દારી’ અને ભારતના હિતમાં કામ કરી રહી હોવાનો આક્ષેપ મૂકીને ખુલી ધમકી આપી કે, જેએસીસી પાકિસ્તાન સાથે ‘ગદ્દારી’ કરવાનું બંધ નહીં કરે તો તેનાં ગંભીર પરિણામો જેએસીસીના નેતા અને તેની સાથે સંકળાયેલાં લોકોએ ભોગવવાં પડશે. આતંકવાદીઓને માત્ર બંદૂકની ભાષા આવડે છે ને લોકોનાં ઢીમ ઢાળતાં આવડે છે એ જોતાં આ ‘ગંભીર’ પરિણામો શું હશે એ કહેવાની જરૂર છે ખરી ?
આ જાહેર સભામાં પાકિસ્તાનના આતંકવાદી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનના ડેપ્યુટી ચીફ શમશેર ખાને ભારતના કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીરમાં પાકિસ્તાની આતંકવાદીઓ માર્યા ગયા છે અને ત્યાં જ દફનાવવામાં આવ્યા છે એવી કબૂલાત કરી તેને વધારે મહત્ત્વ અપાયું છે પણ આતંકવાદીઓએ જેએસીસી સામે મોરચો ખોલ્યો એ વાતની નોંધ જ નથી લેવાઈ.
શમશેર ખાને એવો દાવો કર્યો છે કે, સમગ્ર પાકિસ્તાનમાંથી આવતા આતંકવાદીઓએ કાશ્મીરના જંગમાં જીવ ગુમાવ્યા છે. કાશ્મીરના લોલાબ અને કુપવાડાથી લઈને કઠુઆ સુધીના દરેક શહેરમાં પાકિસ્તાની આતંકીઓની કબરો આવેલી છે અને જમ્મુ અને કાશ્મીરનું એક પણ કબ્રસ્તાન પાકિસ્તાની આતંકીઓના અવશેષો વિના ખાલી નથી. સમશેરે તો કાશ્મીરીઓનું પાકિસ્તાન સાથેનું જોડાણ એકદમ મજબૂત હોવાનો દાવો કરીને એવું પણ કહ્યું કે, પાકિસ્તાન અને કાશ્મીરનાં લોકો વચ્ચે કોઈ નફરત પેદા કરી શકે તેમ નથી.
સમશેર ખાનના દાવાના કારણે કાશ્મીરમાં પાકિસ્તાની આતંકવાદીઓ સક્રિય હોવાનું પહેલી વાર કબૂલ કરાયું છે એવું અર્થઘટન કરીને આ બહુ મોટી વાત હોય એ રીતે તેને મીડિયાએ રજૂ કરી પણ વાસ્તવમાં સમશેર ખાનના દાવાનું કોઈ મહત્ત્વ નથી. સમશેર ખાન એક ટૂણિયાટ આતંકવાદી છે ને એ લોકોની સામે કોઈ પણ દાવો કરે તેની કોઈ કિંમત નથી. પાકિસ્તાન સરકારના કોઈ મંત્રી કે આર્મી ઓફિસરે આ વાત કરી હોત તો હજુ પણ તેને ગંભીરતાથી લઈ શકાય પણ એક આતંકવાદી દાવો કરે તેની શું કિંમત? આતંકવાદીના દાવાના કારણે પાકિસ્તાન જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ ફેલાવે છે એવું કઈ રીતે સાબિત કરી શકાય ?
બીજું એ કે, પાકિસ્તાન જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ ફેલાવે છે એ ઓપન સીક્રેટ છે. સમશેર ખાને તો થૂંક ઉડાડીને જાહેર સભામાં આ વાત કરી પણ ભૂતકાળમાં પાકિસ્તાન જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ ફેલાવે છે તેના નક્કર પુરાવા ભારતને મળ્યા છે ને ભારતે આ પુરાવા પાકિસ્તાનને આપ્યા છે છતાં પાકિસ્તાન સાવ નામક્કર જ ગયું છે. 2008ના મુંબઈ હુમલામાં સામેલ અજમલ કસાબ સહિતના આતંકવાદી પાકિસ્તાની હતા. જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ પાકિસ્તાનીઓ ફેલાવે છે તેનો વધારે મોટો પુરાવો બીજો ક્યો હોઈ શકે ? પાકિસ્તાને એ પુરાવો માન્ય રાખીને પોતે જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ ફેલાવે છે એવું સ્વીકાર્યું ?
કંદહાર વિમાન અપહરણકાંડ વખતે ભાજપ સરકારે જેને છોડી મૂક્યો એ મસૂદ અઝહર સહિતના ઢગલાબંધ પાકિસ્તાનીઓ ભારતમાં આતંકવાદ ફેલાવતાં ઝડપાયા છે છતાં પાકિસ્તાન પોતે જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ ફેલાવે છે એવું ના સ્વીકારતું હોય તો સમશેર ખાન જેવા ટૂણિયાટ આતંકવાદીના કહેવાથી એ વાત સ્વીકારી લેશે એ વાતમાં માલ નથી. આ સંજોગોમાં સમશેરના નિવેદનની કોઈ કિંમત નથી પણ સમશેર સહિતના આતંકવાદીઓ પીઓકેનાં લોકોની લડતને દબાવી દેવા મેદાનમાં ઊતરે એ બહુ મોટી વાત છે.
પીઓકેમાં અત્યારે ચાલી રહેલા આંદોલનને કારણે પીઓકે ભવિષ્યમાં ભારતમાં ભળે એવી પ્રબળ શક્યતા ઉભી થઈ છે કેમ કે પીઓકેનાં લોકો પોતે પાકિસ્તાની નથી એવું ખુલ્લેઆમ કહી રહ્યાં છે. ‘જોઇન્ટ અવામી એક્શન કમિટી’ (JAAC) ના નેતા સરદાર અમન ખાને ભારત પાસે ખુલ્લેઆમ મદદ માગી છે.
પાકિસ્તાનની નાકાબંધીથી ભૂખે મરી રહેલાં પીઓકેનાં લોકોને માનવતાના ધોરણે સહાય મોકલવા અને પીઓકેનાં લોકોને ભારતમાં પ્રવેશની મંજૂરી આપવા માટે સહરદ ખોલી દેવા અમન ખાને અપીલ કરી છે. આ અપીલનો મતલબ એ થયો કે, પાકિસ્તાનથી ત્રસ્ત લોકોને ગમે તે ભોગે છુટકારો જોઈએ છે અને ભારત પોતાનો હાથ ઝાલે એવી તેમની ઈચ્છા છે.
પાકિસ્તાને આતંકવાદીઓને મેદાનમાં ઉતાર્યા તેનું કારણ આ અપીલ છે. ભારત પીઓકેને પોતાનો જ વિસ્તાર ગણાવે છે તેથી પીઓકેનાં લોકો ભારતનાં નાગરિક જ કહેવાય. આ નાગરિકોને બચાવવા માટે ભારત લશ્કરી કાર્યવાહી કરે તો પીઓકે પોતાના હાથમાંથી જતું રહે તેથી ડરેલું પાકિસ્તાન આતંકવાદીઓના શરણે ગયું છે.
પાકિસ્તાને જોઈન્ટ અવામી એક્શન કમિટીના સર્વોચ્ચ નેતા શૌકત નવાઝ મીરને તેમના સાથીઓ સાથે પકડીને જેલમાં નાખી દીધા છે. જેએસીસીના બીજા 600થી વધુ નેતાઓ અને કાર્યકરોને પણ અટકાયતમાં લેવામાં આવ્યા છે છતાં પીઓકેની પ્રજા ડગી નથી એટલે હવે પાકિસ્તાન આતંકવાદી સરદારોનો સહારો લઈને તેમને ડરાવવાની નીચ હરકત પર ઊતર્યું છે.
પાકિસ્તાનના પીઠ્ઠુ આતંકવાદીઓની સક્રિયતા પીઓકેના પાકિસ્તાન વિરોધી આંદોલનને ફટકો મારી શકે છે કેમ કે, મોતથી બધાંને ડર લાગતો હોય છે. આતંકવાદીઓ પાકિસ્તાનના ઈશારે પીઓકેમાં ભારતતરફી લોકોનાં ઢીમ ઢાળવા માંડે તો ડર તો પેદા થાય જ ને ડર પેદા થાય એટલે લોકો પાકિસ્તાન સરકાર સામે રસ્તા પર ઊતરવાનું બંધ કરે તેથી આંદોલનની આપોઆપ હવા નીકળી જાય.
ભારત સરકારની આ ઘટનાક્રમ પર ચાંપતી નજર હશે જ. સરકારની પોતાની સ્ટ્રેટેજી પણ હશે જ પણ આતંકવાદીઓ બંદૂકના જોરે આંદોલનને શાંત પાડે એ પહેલાં ભારતે કશુંક કરવું જરૂરી છે. પીઓકેનાં લોકો અત્યારે ભારત તરફ આશાભરી મીટ માંડીને બેઠાં છે ત્યારે ભારત તેમને નિરાશ ના કરે એ જરૂરી છે.