નવી દિલ્હી: પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય દ્વારા PNG (પાઈપ્ડ નેચરલ ગેસ) ને પ્રોત્સાહન આપવાના પ્રયાસો વચ્ચે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. મંત્રાલયના સચિવ નીરજ મિત્તલે સોશિયલ મીડિયા પર માહિતી આપી હતી કે અત્યાર સુધીમાં 6000 PNG ગ્રાહકોએ સ્વેચ્છાએ પોતાના એલપીજી કનેક્શન સરેન્ડર કર્યા છે. સરકારે પીએનજી સુવિધા ધરાવતા વિસ્તારોના નાગરિકોને અપીલ કરી છે કે તેઓ ગેસ સિલિન્ડર છોડી દે, જેથી તે સિલિન્ડર ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોમાં પહોંચાડી શકાય જ્યાં હજુ સુધી પાઈપલાઈનનું માળખું ઉપલબ્ધ નથી.
સરકારે આગામી સમય માટે કડક આયોજન કર્યું છે, જે મુજબ જે ઘરોમાં પીએનજી પાઈપલાઈન પહોંચી ગઈ છે છતાં જો ગ્રાહકોએ કનેક્શન નથી લીધું, તો ત્યાં ત્રણ મહિના પછી એલપીજી સિલિન્ડરનો સપ્લાય બંધ કરી દેવામાં આવશે. જોકે, જ્યાં ટેકનિકલ કારણોસર પીએનજી શક્ય નથી ત્યાં એનઓસી (NOC) ના આધારે આ નિયમ લાગુ પડશે નહીં. હાલમાં પશ્ચિમ એશિયાથી આયાતમાં અવરોધોને કારણે એલપીજી પુરવઠા પર દબાણ છે, જેના કારણે સરકાર પીએનજી નેટવર્ક ધરાવતા શહેરી વિસ્તારોને પાઈપલાઈન ગેસ પર શિફ્ટ કરવા પર ભાર મૂકી રહી છે.
ગેસ સપ્લાયની સ્થિતિ અંગે સ્પષ્ટતા કરતા મંત્રાલયે જણાવ્યું છે કે ઘરેલું પીએનજી અને ટ્રાન્સપોર્ટ માટેના સીએનજીને 100% પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. એલપીજીના કાળાબજાર રોકવા માટે અત્યાર સુધીમાં 2,900 જેટલા સ્થળોએ દરોડા પાડીને 1,000 થી વધુ સિલિન્ડર જપ્ત કરવામાં આવ્યા છે. પીએનજીના જોડાણને વેગ આપવા માટે IGL, ગેલ ગેસ અને BPCL જેવી કંપનીઓ ગ્રાહકોને આકર્ષક ઇન્સેન્ટિવ્સ આપી રહી છે, જેના પરિણામે માત્ર માર્ચ મહિનામાં જ 2.90 લાખથી વધુ નવા પીએનજી કનેક્શન નોંધાયા છે.