Fri Sep 04 2026

Logo

રીલનો જમાનો, ઇન્ફ્લુએન્સર્સની અસર અને શોર્ટકટનો ખતરો, પીએમ મોદીનો Gen Zને શું છે સંદેશ

2026-08-12 11:19:00
Author: Mumbai Samachar Team
રીલનો જમાનો, ઇન્ફ્લુએન્સર્સની અસર અને શોર્ટકટનો ખતરો, પીએમ મોદીનો Gen Zને શું છે સંદેશ

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે (12 ઓગસ્ટ) ના રોજ Gen Z ને એક મોટો સંદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે આપણને ભવિષ્યમાં પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ જેવા લાખો યુવાનો જોઈએ છે. પીએમ મોદીએ ઉમેર્યું, "હું યુવા પેઢીને આગ્રહ કરીશ—આ રિલનો જમાનો છે, સોશિયલ મીડિયાના ઈન્ફ્લુએન્સર્સ તમને દિશાહિન બનાવી શકે છે. શોર્ટ કટમાંથી બહાર નીકળો અને હું યુવાનોને કહીશ કે આત્મકથા (Autobiography) ચોક્કસ વાંચો."

વડાપ્રધાન મોદીએ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આત્મકથા ‘‘ટ્રાયમ્ફ ઓફ ધ ઈન્ડિયન રિપબ્લિક: માઈ લાઈફ, માઈ સ્ટ્રગલ્સ’’ ના વિમોચન પ્રસંગે કહ્યું હતું કે, "રાષ્ટ્રપતિ જેવા સર્વોચ્ચ પદ પરથી સેવામુક્ત થયા પછી પણ તેમણે વિશ્રામ નથી લીધો. તેઓ આજે પણ 'વન નેશન, વન ઈલેક્શન' (એક દેશ, એક ચૂંટણી) જેવા મહત્વપૂર્ણ વિષય પર કામ કરી રહ્યા છે અને દેશને જાગૃત કરી રહ્યા છે. આ એક એવો વિષય છે જેનો ઉકેલ દેશના લોકશાહીના નવા પ્રકરણની શરૂઆત કરી શકે છે. હું માનું છું કે આ કર્તવ્યનિષ્ઠા અને સેવાભાવમાંથી દેશના લોકો ઘણું બધું શીખી શકે છે."

ઓટોબાયોગ્રાફી જરુર વાંચો- પીએમ મોદી

તેમણે કહ્યું, "જાહેર જીવનમાં સક્રિય રહેવાની સાથે આત્મકથા માટે સમય કાઢવો ખૂબ મુશ્કેલ હોય છે. રામનાથ કોવિંદે આ કામ આપણા બધા માટે કર્યું છે. કારણ કે તેમના જીવનમાં એવું ઘણું બધું છે જેમાં ગરીબ અને વંચિત વર્ગમાંથી આવેલા તમામ લોકો પોતાના જીવનનું પ્રતિબિંબ જોઈ શકે છે. કેવી રીતે એક સાધારણ પરિવાર મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ જીવનની પવિત્રતા અને પ્રામાણિકતા સાથે સમજૂતી નથી કરતો. કેવી રીતે એ જ આદર્શો આગળ જતાં આપણા જીવનનો આધાર બને છે. આપણા મુશ્કેલ સમયના મૂલ્યો કઈ રીતે આખા જીવન દરમિયાન આપણને માર્ગદર્શન આપે છે. કેવી રીતે આ પવિત્રતાથી આપણને રાષ્ટ્રસેવાની શક્તિ મળે છે."

પીએમ મોદીએ કહ્યું, "જુદા જુદા પદોની જવાબદારી નિભાવતા રામનાથ કોવિંદે સમાજને નિરંતર આની પ્રેરણા આપી છે. હું ખાસ કરીને યુવા પેઢીને આગ્રહ કરીશ. રિલનો જમાનો છે. સોશિયલ મીડિયાના ઈન્ફ્લુએન્સર્સ તમને ખેંચીને ક્યાંકના ક્યાંક લઈ જાય છે. આ શોર્ટકટના યુગમાં પણ આપણે એક વાત ચોક્કસ યાદ રાખીએ, જે રેલવે સ્ટેશન પર લખેલી હોય છે—કેટલાક લોકોને પુલ પર જવાના બદલે ટ્રેક (પાટા) પરથી જવાની ટેવ હોય છે, તો ત્યાં લખેલું હોય છે, 'Short cut will cut you short' (ખોટો શોર્ટકટ તમને નુકસાન કરાવી શકે). અને જો શોર્ટકટના રસ્તામાંથી બહાર નીકળવું હોય, તો હું નવયુવાનોને કહીશ કે તમને જેની પણ પસંદ હોય, તેની આત્મકથા (Autobiography) ચોક્કસ વાંચો."