Fri Sep 04 2026

Logo

નરેન્દ્ર મોદી અને પીયૂષ ગોયલના વાંધાજનક વીડિયો-તસવીરો પોસ્ટ કરનારા સામે ગુનો

2026-07-31 20:10:49
Author: Yogesh C. Patel
નરેન્દ્ર મોદી અને પીયૂષ ગોયલના વાંધાજનક વીડિયો-તસવીરો પોસ્ટ કરનારા સામે ગુનો

મુંબઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલના એઆઈ જનરેટેડ વીડિયો-તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કથિત બદનામીનો પ્રયાસ કરનારા વિરુદ્ધ મહારાષ્ટ્ર સાયબર પોલીસે એફઆઈઆર નોંધ્યો હતો.

અધિકારીના જણાવ્યા મુજબ ભાજપના સોશિયલ મીડિયા સેલનાં મહિલા પદાધિકારીએ નોંધાવેલી ફરિયાદને આધારે ભારતીય ન્યાય સંહિતાની સુસંગત કલમો અને ઇન્ફર્મેશન ટેક્નોલૉજી ઍક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

.નોડલ સાયબર પોલીસમાં કરાયેલી ફરિયાદ અનુસાર ફરિયાદી ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને એક્સ જેવાં સોશિયલ મીડિયા પ્લૅટફોર્મ પર સક્રિય હોય છે અને રાજકીય તેમ જ સામાજિક ગતિવિધિઓ પર નજર રાખે છે. પચીસ જુલાઈની સવારે ફરિયાદીએ ફેસબુક પર એક વીડિયો જોયો હતો. ‘મહારાષ્ટ્ર ધર્મ’ નામે ફેસબુક એકાઉન્ટ પરથી એ વીડિયો પોસ્ટ કરાયો હતો.

વીડિયોમાં પીયૂષ ગોયલને કથિત વિવાદાસ્પદ અને ભડકાવનારું વક્તવ્ય કરતા દર્શાવાયા હતા. ફરિયાદીએ વીડિયોની સત્યતા તપાસતાં વીડિયો ખોટો હોવાનું જણાયું હતું. અધિકૃત ન્યૂઝ એજન્સીના સોશિયલ મીડિયા પર સાચો વીડિયો પણ મળી આવ્યો હતો. પરિણામે ફરિયાદીને શંકા છે કે એઆઈ જનરેટેડ વીડિયો પોસ્ટ કરીને લોકોમાં ગેરસમજ ઊભી કરવાનો પ્રયાસ કરાયો હતો.

ફરિયાદમાં આક્ષેપ કરાયો હતો કે અમુક ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ પર નરેન્દ્ર મોદીની તસવીરોનો ઉપયોગ કરીને વાંધાજનક ટિપ્પણીઓ કરવામાં આવી હતી. આ બન્ને મામલે નોડલ સાયબર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.