પેટ્રોલ-ડીઝલની અછત અને વધતા ભાવને રોકવા કેન્દ્ર-રાજ્ય વચ્ચે રણનીતિ પર ચર્ચા
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના તમામ રાજ્યના મુખ્યમંત્રી સાથે વિડિયો કોન્ફરન્સથી વાતચીત કરી છે. મિડલ ઈસ્ટમાં વધી રહેલા તણાવગ્રસ્ત માહોલને લઈને વાતચીત કરવામાં આવી હતી. આ ઓનલાઈન મિટિંગમાં એ પાંચ રાજ્યોના મુખ્યમંત્રી સામેલ થયા ન હતા જે રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીનું એલાન થયું છે. કેરળ, પશ્ચિમ બંગાળ, તમિલનાડું, અસમ અને પોંડીચેરીનો એમાં સમાવેશ થાય છે.
ઓનલાઈન મિટિંગનો હેતુ
આ ઓનલાઈન મિટિંગનો હેતુ ઈરાન-ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઈને સર્જાયેલી સ્થિતિ પર ચર્ચા કરવાનો હતો. યુદ્ધના કારણે ઊભી થયેલી વિકટ સ્થિતિ સામે કેવી રીતે નીવેડો લાવી શકાય એ વિષય પર ચર્ચા થઈ હતી. મિડલ ઈસ્ટમાં યથાવત રહેલા યુદ્ધને કારણે ફ્યુલની સપ્લાયને અસર થઈ હતી. અનેક એવા રાજ્યમાં પેટ્રોલ-ડીઝલ ખતમ થવાની અફવાને કારણે પેટ્રોલપંપ લાંબી લાઈન લાગી હતી, જોકે સરકારે સ્પષ્ટતા કરી હતી કે, પેટ્રોલ-ડીઝલની દેશમાં કોઈ પ્રકારે અછત નથી. ભારત મોટી માત્રામાં ક્રૂડ ઓઈલ, કાચું તેલ, LPG ગેસ, PNG ગેસ, LNG ગેસની આયાત કરે છે. આ ફ્યુલની મોટી માત્રા જહાજ મારફતે હોર્મુઝમાંથી આવે છે. હાલમાં હોર્મુઝમાંથી જહાજ પસાર કરવું જોખમથી ખાલી નથી.

ટીમ ઈન્ડિયા મોડલ
નિયમિત મળતા જહાજની સપ્લાય ચેઈન ખોરવાતા કટોકટીની સ્થિતિ ઊભી થઈ હતી. ઈરાને ભારતને રાહત આપતા ભારત આવી રહેલા જહાજને હોર્મુઝમાંથી પસાર થવાની છૂટ આપી છે. કોરોના વાયરસના કપરાકાળમાં વડા પ્રધાન મોદીએ ટીમ ઈન્ડિયા મોડલ અંતર્ગત કામ કર્યું હતું. આ મોડલમાં તમામ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર મળીને એક ટીમ તૈયાર કરીને કામ કરી રહી હતી. કેન્દ્ર સરકારની જવાબદારી મોટી સંખ્યામાં જરૂરી ચીજવસ્તુઓની વ્યવસ્થા કરવાની હોય છે અને રાજ્ય સરકાર યોગ્ય રીતે લોકોમાં વિતરણ કરે એ હોય છે. કોરોનાકાળમાં દવા, માસ્ક અને ટેસ્ટિંગ કિટ પર ભાર મૂકવામાં આવ્યો હતો. હવે એની જગ્યા પર પેટ્રોલ-ડીઝલ અને એલપીજી ગેસ પર ફોક્સ કરવામાં આવી રહ્યું છે.
સાથે મળીને કામ કરવાનું રહેશે
વડા પ્રધાન મોદી અગાઉ પણ કહી ચૂક્યા છે કે, ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે સર્જાયેલી સ્થિતિમાંથી ઉકેલ લાવવા માટે કોરોનાકાળની જેમ બધાએ સાથે મળીને કામ કરવું પડશે. કેન્દ્ર સરકાર એવું ઈચ્છે છે કે, દેશમાં પેટ્રોલ-ડીઝલની કિંમત કોઈ રીતે ન વધે. આ માટે જ એક્સાઈઝ ડ્યૂટી ઓછી કરી દેવામાં આવી છે.આ મિટિંગ દરમિયાન રાજ્યોને વેટ ઓછું કરવા માટે કહેવામાં આવી શકે છે.LPGની કાળા બજારી રોકવા માટે નિર્ણય લેવામાં આવી શકે છે. કેન્દ્રીય મંત્રી અમિત શાહે મોદી સરકારના નિર્ણયની પ્રશંસા કરતા કહ્યું હતું કે, દુનિયાના અનેક દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો છે. મોદી સરકાર દ્વારા પેટ્રોકેમિકલ કંપનીઓમાં થતા જરૂરી ઉત્પાદન ખર્ચમાં કાપ મૂકી નાગરિકો માટે મોટી રાહત ઊભી કરવામાં આવી છે. લોકોના હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. એક્સાઈઝ ડ્યૂટી ઘટાડીને મોટી રાહત આપવામાં આવી છે. આ પગલું પ્રજાલક્ષી વિચાર અને સંવેદનશીલતા દર્શાવે છે.
પેટ્રોલિયમ સેક્રેટરીનો પત્ર
પેટ્રોલિયમ મંત્રાલયના સેક્રેટરીએ તમામ રાજ્યોને સંબોધીને એક પત્ર લખ્યો છે, જેમાં કેટલીક વસ્તુઓને લાગુ કરવા કહેવામાં આવ્યું છે. નોન ડૉમેસ્ટિક LPG ગેસની ફાળવણી કટોકટી પહેલાના સ્તરના 70% સુધી મર્યાદિત કરવામાં આવી છે. બીજા શબ્દોમાં કહીએ તો, કમર્શિયલ LPG માટે ફાળવણી મર્યાદા વધારીને 70% કરવામાં આવી છે. વધારાની LPG ફાળવણી ફક્ત પસંદગીના ઉદ્યોગોને જ આપવામાં આવશે, જેમાં સ્ટીલ, ઓટોમોબાઈલ, કાપડ, રંગો/રસાયણો અને પ્લાસ્ટિકનો સમાવેશ થાય છે