Mon Jul 27 2026

Logo

સોનાના વેપારમાં 30% ઘટાડાની ભીતિ; શું લગ્નની સિઝનમાં સોનું ખરીદવું કે નહીં? જાણો માર્કેટની સ્થિતિ

2026-05-12 15:00:00
Author: Mayur Patel
Article Image

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી સોનું નહીં ખરીદવાની અપીલની ધીમે ધીમે માર્કેટમાં અસર જોવા મળી રહી છે, જ્યારે જનતા પણ ચિંતામાં આવી ગઈ છે. દેશના અનેક શહેરોમાં જ્વેલરી શો રૂમમાં ગ્રાહકોની ભીડ ઘટી છે.  લોકો માત્ર પ્રસંગ સાચવવા જ સોનાની ખરીદી કરી રહ્યા છે.

બુલિયન માર્કેટના વેપારીઓના કહેવા પ્રમાણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અપીલથી તેના કારોબાર પર 25થી 30 ટકાની અસર પડશે. જોકે વેપારીઓનો દાવો છે કે વડા પ્રધાન અને દેશ હિત માટે તેઓ કારોબારમાં નુકસાન ઉઠાવવા પણ તૈયાર છે અને પીએમને પૂરો સહકાર આપશે.

બીજી બાજુ બુલિયન માર્કેટમાં પણ સોના કરતા ચાંદીની લેવાલીમાં પણ વધારો થયો હતો. પીએમ મોદીની અપીલ પછી પણ સોનાના ભાવમાં સ્થિરતા જોવા મળી હતી. છેલ્લા બે દિવસથી માર્કેટમાં સોનાની ખરીદી જોવા મળી હતી, જ્યારે અમુક લોકો લગ્નપ્રસંગને કારણે સોનું ખરીદી રહ્યા છે. એક એસોસિયેશને કહ્યું હતું કે પીએમ મોદીની અપીલને કારણે જ્વેલરી ઉદ્યોગમાં ડરનો માહોલ પણ ઊભો થયો છે, પરંતુ નાના વેપારીઓ પર સંકટ આવી શકે છે.

અન્ય વેપારીએ કહ્યું હતું કે જો સરકાર ગોલ્ડ મોનેટાઈઝેશન સ્કીમને વધુ સરળ અને અસરકારક બનાવે તો આયાતની જરુરિયાત ઘટી શકે છે. ભારતમાં મહિલાઓની પાસે 40,000 ટન સોનું છે. જો જૂના સોનાને રિસાઈકલ કરવામાં આવે તો વિદેશી ચલણનો ખર્ચ થશે નહીં અને ઝવેરીઓનું કામકાજ પણ ચાલુ રહેશે.

આ ઉપરાંત કેટલાક જ્વેલર્સનું કહેવું છે કે, વડા પ્રધાન મોદીની અપીલને લઈ લોકો અસમંજસમાં છે. તેમના વેપાર પર અસર પડશે, છટણી કરવી પડશે. વેપારીઓનું કહેવું છે કે, એક વર્ષ સુધી લોકોને સોનું ન ખરીદવાની અપીલ કરવામાં આવી છે, તેનાથી વેપારીઓને નુકસાન થાય તો તેની ભરપાઈ અંગે સરકારે કઈંક વિચારવું જોઈએ. ઉપરાંત એક વર્ષ સુધી ટેક્સ માફ કરવો જોઈએ. વીજળી, શો રૂમ, કર્મચારીઓનો પગાર તમામ ખર્ચ લાગતા હોય છે, આ અંગે પણ સરકારે વિચારવું જોઈએ.

કેટલાક લોકોના કહેવા પ્રમાણે, તેઓ વડા પ્રધાનની અપીલ સાથે છે પરંતુ ભારતીય પરંપરામાં સોનાની અવગણના ન કરવી જોઈએ. કેટલાક લોકોનું કહેવું છે કે અપીલ ખોટી છે અને સોનું જરૂર ખરીદીશું. લગ્નમાં તો સોનું ખરીદવું જ પડે છે.

પીએમ મોદીની અપીલને લઈ પેટ્રોલ-ડીઝલની માંગ પર પણ અસર જોવા મળી રહી છે. સૂત્રોના કહેવા પ્રમાણે, પેટ્રોલ-ડીઝલ અને સોનાની આયાત કરવામાં આવે છે, આ માટે વિદેશી હુંડિયામણમાં ચૂકવણી કરવામાં આવે છે. પશ્ચિમ એશિયામાં યુદ્ધના કારણે વિદેશી હુંડિયામણમાં કદાચ ઘટાડો થશે. તેથી પીએમ મોદીએ લોકોને આ વસ્તુઓની ખરીદી ટાળવા અપીલ કરી છે. અમે પીએમ મોદી અને દેશની સાથે ઊભા છીએ.