Sun Jun 21 2026

Logo

ભારતીય નૌસેના વધુ શક્તિશાળી બનશે: પીએમ મોદી આજે INS અગ્રય, સંશોધક અને દૂનાગીરી દેશને સમર્પિત કરશે

2026-06-21 10:51:00
Author: Vimal Prajapati
Article Image

નવી દિલ્હી: ભારતની દરિયાઈ સરહદોની સુરક્ષાને અભેદ્ય બનાવવા માટે આજનો દિવસ ઐતિહાસિક સાબિત થવા જઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ભારતીય નૌસેના (Indian Navy) માં ત્રણ અત્યાધુનિક નેવલ પ્લેટફોર્મ – INS અગ્રય (INS Agray), INS સંશોધક (INS Sanshodhak) અને INS દૂનાગીરી (INS Dunagiri) ને ઔપચારિક રીતે સામેલ કરશે. આ ત્રણેય જહાજો નૌસેનાના ઓપરેશનલ બેડાનો હિસ્સો બનતાની સાથે જ ભારતની સમુદ્રી માઇલસ્ટોન ક્ષમતાઓમાં અભૂતપૂર્વ વધારો થશે.

જાણો ત્રણેય સ્વદેશી જહાજોની ખાસિયતો અને તાકાત

આ ત્રણેય જહાજોનું નિર્માણ કોલકાતાની ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ (GRSE) દ્વારા કરવામાં આવ્યું છે, જે 'આત્મનિર્ભર ભારત' વિઝનની મોટી સફળતા દર્શાવે છે.

INS સંશોધક: સમુદ્રનો નકશો તૈયાર કરતું હાઇડ્રોગ્રાફિક વેસલ છે. આ એક અત્યાધુનિક હાઇડ્રોગ્રાફિક સર્વે વેસલ (સમુદ્રી સર્વેક્ષણ જહાજ) છે. જેનું મુખ્ય કામ સમુદ્રના તળિયાનો સચોટ નકશો બનાવવો અને સુરક્ષિત નેવિગેશન રૂટની ઓળખ કરવાનું છે. આ જહાજ માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત કાર્યો (HADR) દરમિયાન દરિયામાં એક સરકતા (Floating) મેડિકલ પ્લેટફોર્મ તરીકે પણ સેવા આપી શકે છે.

INS અગ્રયને સબમરીનનો કાળ કહેવામાં આવે છે. આ એક એન્ટી-સબમરીન વોરફેર શેલો વોટર ક્રાફ્ટ છે, જેને ખાસ કરીને તટીય અને ઓછા ઊંડા પાણીમાં છુપાયેલી દુશ્મનની સબમરીનનો નાશ કરવા માટે ડિઝાઇન કરાયું છે. આ જહાજ એડવાન્સ સોનાર સિસ્ટમ, એન્ટી-સબમરીન રોકેટ, ટોર્પીડો અને 30-mm નેવલ ગનથી સજ્જ છે. આ ઉપરાંત તે સમુદ્રમાં માઇન્સ (દરિયાઈ બોમ્બ) બિછાવવામાં પણ સક્ષમ છે.
 

INS દૂનાગીરી એટલે બ્રહ્મોસ મિસાઇલથી સજ્જ બાહુબલી. આ જહાજ ભારતીય નૌસેનાના પ્રોજેક્ટ 17A હેઠળ બનેલું અત્યાધુનિક નિલગીરી-ક્લાસ સ્ટીલ્થ ગાઇડેડ મિસાઇલ ફ્રિગેટ છે. તે ઘાતક બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ અને બરાક-8 મીડિયમ રેન્જ સરફેસ-ટુ-એર મિસાઇલ સિસ્ટમથી સજ્જ છે. આ મલ્ટી-રોલ યુદ્ધજહાજ એર ડિફેન્સ, સરફેસ વોરફેર અને એન્ટી-સબમરીન મિશનને એકસાથે અંજામ આપી શકે છે. ભારતમાં જ બનેલા આ પ્લેટફોર્મ્સ હિંદ મહાસાગર (Indian Ocean) માં ચીન અને પાકિસ્તાન જેવા પડોશી દેશોની હિલચાલ પર કડક નજર રાખવા અને ભારતીય હિતોની રક્ષા કરવા માટે ગેમ-ચેન્જર સાબિત થશે.