Wed Aug 26 2026

Logo

IPLમાં આ ટીમના કેપ્ટને ડ્રેસિંગ રૂમમાં ઈ-સિગારેટ પીતાં મોટો વિવાદ

2026-04-29 10:46:00
Author: Mayur Patel
IPLમાં આ ટીમના કેપ્ટને ડ્રેસિંગ રૂમમાં ઈ-સિગારેટ પીતાં મોટો વિવાદ

નવી દિલ્હીઃ આઈપીએલ 2026માં રાજસ્થાન રોયલ્સે પંજાબ કિંગ્સ સામે 223 રનનો ટાર્ગેટ 4 બોલ બાકી હતા ત્યારે હાંસલ કર્યો હતો. ડોનાવેન ફરેરા (52 રન અણનમ) અને શુભમ દુબે (31 રન અણનમ)ની ભાગીદારીએ રાજસ્થાનની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. રાજસ્થાનની જીત સાથે પંજાબ કિંગ્સનો આ સીઝનમાં વિજય રથ અટક્યો હતો. મેચ દરમિયાન રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન રિયાન પરાગ વિવાદમાં આવ્યો હતો. 

શું છે મામલો

મેચ દરમિયાન ડ્રેસિંગ રૂમમાં વેપિંગ (ઈ સિગારેટ પીવી)નો વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર ખળભળાટ મચી ગયો છે. વાયરલ વીડિયોમાં રિયાન પરાગ ડ્રેસિંગ રૂમમાં ઈલેકટ્રોનિક વેપ ડિવાઈસનો ઉપયોગ કરતાં નજરે પડ્યો હતો. આ સમયે ત્યાં જાયસ્વાલ અને ધ્રુવ જુરેલ પણ હાજર હતા.

રાજસ્થાન રોયલ્સ છે વિવાદમાં

રિયાન પરાગે ચોરીછુપીથી વેપિંગ કરવાની કોશિશ કરી હતી પરંતુ તેની હરકત કેમેરામાં કેદ થઈ હતી અને વીડિયો વાયરલ થયો હતો. રાજસ્થાન રોયલ્સની ટીમ પહેલા જ એક નિયમના ભંગના કારણે ચર્ચામાં છે. ટીમના મેનેજર રોમી ભિંડરને ડગ આઉટમાં મોબાઈલનો ઉપયોગ કરવા બદલ એક લાખ રૂપિયાનો દંડ અને ચેતવણી આપવામાં આવી હતી. જે બાદ આ ઘટના સામે આવી છે.

રિયાન પરાગનો મામલો કેમ છે ગંભીર

રિયાન પરાગનો મામલો ગંભીર માનવામાં આવે છે. આઈપીએલ નિયમો મુજબ, ડ્રેસિંગ રૂમ કે ડગઆઉટમાં સ્મોકિંગ, જેમાં ઈ-સિગારેટ અને વેપ પણ સામેલ છે તે પૂરી રીતે પ્રતિબંધિત છે. આ મામલાની તપાસ BCCI અને IPL ગવર્નિંગ કાઉન્સિલ પણ કરી શકે છે.

ભારતમાં શું છે સજાની જોગવાઈ

ભારતમાં વેપિંગ ડિવાઈસ ગેરકાનૂની છે. નિયમોના ભંગ બદલ 60 હજારથી 5 લાખ રૂપિયા સુધીનો દંડ તથા 6 મહિનાથી 3 વર્ષ સુધીની જેલની જોગવાઈ છે.

BCCI શું કરી શકે છે કાર્યવાહી

BCCI આ મામલે શું કાર્યવાહી કરશે તેના પર નજર રહેશે. રિપોર્ટ મુજબ, પરાગને ચેતવણી, દંડ કે મેચ પ્રતિબંધનો સામનો કરવો પડી શકે છે.