Thu Oct 01 2026

Logo

15 મે પહેલા વધી શકે છે પેટ્રોલ-ડીઝલના ભાવઃ રિપોર્ટ

2026-05-09 13:56:00
Author: Mumbai Samachar Team
15 મે પહેલા વધી શકે છે પેટ્રોલ-ડીઝલના ભાવઃ રિપોર્ટ

નવી દિલ્હીઃ યુદ્ધના કારણે ક્રૂડ ઓઇલની કિંમતો સાતમા આસમાને પહોંચી ગઇ છે. જો કે તેમ છતાં સરકારી ઓઇલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં કોઇ વધારો નથી કર્યો. પરંતુ આવનારા એક સપ્તાહની અંદર પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો થવાની શક્યતા છે. એક રિપોર્ટમાં આ વાત સામે આવી છે. મહત્વનું છે કે ઇરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધની સંભાવનાના કારણે ક્રૂડ ઓઇલનો રેટ 70 ડોલર પ્રતિ બેરલથી વધીને 126 ડોલર પ્રતિ બેરલની સપાટીએ પહોંચી ગયો છે. 

15 મે પહેલા વધશે પેટ્રોલ અને ડીઝલના ભાવ

રિપોર્ટ અનુસાર પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં 15 મે પહેલા વધારો થશે. ક્રૂડ ઓઇલની કિંમતોમાં ભારે તેજીના કારણે ઓઇલ માર્કેટિંગ કંપનીઓને દર મહિને 30,000 કરોડ રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે. યુદ્ધના કારણે સ્ટ્રેટ ઓફ હોર્મૂઝને અસર થઇ છે. સ્ટ્રેટ ઓફ હોમૂર્ઝના રસ્તે દુનિયાનું 20 ટકા ક્રૂડ ઓઇલ પસાર થાય છે.

અન્ય દેશોમાં ઝડપથી વધ્યા ભાવ

ક્રૂડ ઓઇલનો સપ્લાય પ્રભાવિત થવાથી દુનિયાભરમાં ક્રૂડ ઓઇલની કિંમત ઝડપથી વધી છે. જેના કારણે ઘણાં દેશોમાં પેટ્રોલ અને ડીઝલના રેટમાં ભારે વધારો જોવા મળ્યો છે. હોંગકોંગમાં પેટ્રોલનો રેટ 295 રુપિયા, સિંગાપુરમાં 240 રૂપિયા, નેધરલેન્ડ્સમાં 225 રૂપિયા, ઇટાલીમાં 210 રૂપિયા, યુકેમાં 195 રૂપિયાના સ્તરે પહોંચી ગયું છે. તો બીજી તરફ ભારતમાં પેટ્રોલ 95 રૂપિયાની આસપાસ ચાલી રહ્યું છે. 

ઘણાં દેશોએ બદલ્યા નિયમ

ક્રૂડના પુરવઠાના કારણે ઘણાં દેશોનું કામતાજ પ્રભાવિત થયું છે. શ્રીલંકામાં સપ્તાહમાં 4 દિવસ કામ, પાકિસ્તાનમાં પણ કામકાજના દિવસોમાં ઘટાડો થયો છે. હાલ ક્રૂડ ઓઇલને લઇને કોઇ ખાસ હલચલ નથી. લગભગ બધા પંપો પર પેટ્રોલ-ડીઝલની ઉપલબ્ધતા સામાન્ય છે.  

દેશમાં એલપીજી પ્રોડક્શનમાં વધારો

હાલની પરિસ્થિતિઓનો સામનો કરવા માટે ભારત પણ ઘણું સતર્ક છે. દેશમાં એલપીજી પ્રોડક્શન પ્રતિ દિન 36000 ટનથી વધીને 54000 ટનના સ્તરે પહોંચી ગયું છે. 

કેટલું થઇ રહ્યું છે નુકસાન

ઇન્ડસ્ટ્રીના અનુમાન અનુસાર પેટ્રોલ પર 24 રૂપિયા પ્રતી લીટર અને ડીઝલ પર 30 રૂપિયા પ્રતિ લીટરનું નુકસાન થઇ રહ્યું છે. સરકારે ઓઇલ કંપનીઓને રાહત આપવા માટે ગયા મહિને એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો હતો. બીજી તરફ સપ્લાયમાં સુધારો કરવા ભારત, રશિયા, અમેરિકા અને અન્ય દેશો પાસેથી ક્રૂડ ખરીદી રહ્યું છે. હાલના સમયમાં રિફાઇનરી 100 ટકાની ક્ષમતા સાથે ઓપરેટ કરી રહી છે.