Fri May 01 2026

Logo

પેટ્રોલ ડીઝલના ભાવોમાં અનેક દેશોમાં વધારો,જાણો ભારતમાં કેમ નથી રહ્યા ભાવ

2026-04-03 18:49:01
Author: Chandrakant Kanoja
Article Image

નવી દિલ્હી : અમેરિકા ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધનો આજે 35મો દિવસ છે. તેમજ ઈરાન દ્વારા હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરી દેવાતા સમગ્ર વિશ્વમાં ઉર્જા સંકટ ઘેરાયું છે. તેમાં પણ ખાસ કરીને ક્રુડ ઓઈલનો પુરવઠો ઘટતા અનેક દેશોમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં પણ વધારો થયો છે. જોકે, આ દરમિયાન ભારતના પેટ્રોલ ડીઝલના ભાવમાં કોઈ નોંધપાત્ર ફેરફાર નથી નોંધાયો .જેની પાછળ અનેક કારણો છે. 

પેટ્રોલનો વૈશ્વિક સરેરાશ ભાવ 1.20 ડોલરથી વધીને 1.40 ડોલર થયો 

આ અંગે પ્રાપ્ત  નવીનતમ ડેટાનું  વિશ્લેષણ દર્શાવે છે કે બ્રેન્ટ ક્રૂડ અને પેટ્રોલ-ડીઝલના ભાવમાં તીવ્ર વધારો થયો છે. જેમાં  યુદ્ધ પહેલા બ્રેન્ટ ક્રૂડ 71.28 ડોલર  પ્રતિ બેરલ હતું, જે હવે 109 ડોલર  પર પહોંચી ગયું છે. આ જ સમયગાળા દરમિયાન, પેટ્રોલનો વૈશ્વિક સરેરાશ ભાવ 1.20 ડોલર થી વધીને 1.40 ડોલર  પ્રતિ લિટર થયો હતો, જ્યારે ડીઝલનો ભાવ  1.52 ડોલર  પ્રતિ લિટર થયો હતો. આ ઉછાળો દર્શાવે છે કે પુરવઠા સંબંધિત અનિશ્ચિતતાઓ અને યુદ્ધથી ઉદ્ભવતા ભૂ-રાજકીય તણાવને કારણે ભાવમાં વધારો થયો છે.

ભારતમાં ઓઈલ કંપનીઓ નુકસાન સહન કરી રહી છે 

જોકે, વૈશ્વિક સ્તરે ઉછાળો હોવા છતાં ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. આ સંદર્ભમાં, પેટ્રોલિયમ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે  ભારત મુખ્યત્વે જે દેશો પર પેટ્રોલ ડીઝલ પર આધાર રાખે છે  તે દેશોના ભાવમાં કોઈ ફેરફાર નથી થયો. હાલ દિલ્હીમાં, પેટ્રોલના ભાવ ₹94.77 પ્રતિ લિટર અને ડીઝલના ભાવ ₹87.67 પ્રતિ લિટર પર સ્થિર રહ્યા છે. મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે જ્યારે ઓઈલ કંપનીઓ નુકસાન સહન કરી રહી છે, ત્યારે તેનો બોજ સામાન્ય ગ્રાહક પર નાખવામાં આવ્યો નથી. મંત્રાલયે જણાવ્યું કે  આ નિર્ણયો ભારતીય નાગરિકોને આંતરરાષ્ટ્રીય ભાવમાં થયેલા તીવ્ર વધારાથી બચાવવા માટેના છે. 

આ ઉપરાંત નિષ્ણાતો મતે જો બ્રેન્ટ ક્રૂડ લાંબા સમય સુધી 100 ડોલરથી ઉપર રહે છે. તો ભારતમાં ભાવમાં વધારો પણ શક્ય છે. હાલમાં સરકાર કિંમતોને નિયંત્રણમાં રાખી રહી છે. 

મ્યાનમારમાં પેટ્રોલના ભાવમાં 100 ટકા વધારો 

આ ઉપરાંત અન્ય દેશોમાં ઇંધણના ભાવ બજાર પરિબળો દ્વારા નક્કી કરવામાં આવે છે. તેમાં  મ્યાનમારમાં પેટ્રોલના ભાવમાં 100 ટકા  અને ડીઝલના ભાવમાં 119.9 ટકાનો  વધારો નોંધાયો હતો. ફિલિપાઇન્સમાં, ડીઝલના ભાવમાં 111 ટકાનો વધારો થયો હતો. જ્યારે પેટ્રોલ 71.6 ટકા મોંઘુ થયું હતું. મલેશિયામાં, પેટ્રોલના ભાવમાં 52.4 ટકા અને ડીઝલમાં 84.6 ટકાનો વધારો થયો હતો. યુએઈમાં પણ  પેટ્રોલના ભાવમાં 40.8 ટકા  અને ડીઝલમાં 86.1ટકા  નો વધારો થયો હતો. ઓસ્ટ્રેલિયામાં, યુદ્ધ શરૂ થયા પછી, પેટ્રોલના ભાવમાં 46.5 ટકા  અને ડીઝલના ભાવમાં 64.1 ટકાનો વધારો થયો છે.