Thu Oct 01 2026

Logo

સંસદનું બજેટ સત્ર: ઓમ બિરલાને હટાવવા મુદ્દે મતદાન અને મિડલ ઈસ્ટના જંગ પર જામી શકે છે જંગ!

2026-03-09 08:53:00
Author: Devayat Khatana
સંસદનું બજેટ સત્ર: ઓમ બિરલાને હટાવવા મુદ્દે મતદાન અને મિડલ ઈસ્ટના જંગ પર જામી શકે છે જંગ!

નવી દિલ્હી: આજથી સંસદના બીજા તબક્કાનો પ્રારંભ થઈ રહ્યો છે, આ બીજો તબક્કો આગામી 2જી એપ્રિલ સુધી ચાલવાનો છે. આ તબક્કામાં ભારે હોબાળાની શક્યતા સેવાઇ રહી છે. આ દરમિયાન સંસદમાં અધ્યક્ષ પદેથી ઓમ બિરલાને હટાવવા મુદ્દે મતદાન થવાની સંભાવના છે. 

ઉલ્લેખનીય છે કે આજથી પ્રારંભ થઈ રહેલા બજેટ સત્રમાં મિડલ ઈસ્ટની વર્તમાન પરિસ્થિતિ મુદ્દે પણ ચર્ચા થઈ શકે છે. મિડલ ઈસ્ટ સંઘર્ષનો મુદ્દો ગૃહમાં ઉઠાવવામાં આવી શકે છે, કારણ કે વિપક્ષ પહેલાથી જ ઈરાન પ્રત્યે સરકારના વલણ, ભારત દ્વારા રશિયા પાસેથી તેલ ખરીદવા પર અમેરિકા દ્વારા આપવામાં આવેલી "છૂટ" અને અન્ય મુદ્દાઓને લઈને સરકાર પર પ્રહારો કરી રહ્યો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે વિદેશ પ્રધાન (EAM) ડૉ. એસ. જયશંકર આજે મિડલ ઈસ્ટની સ્થિતિ અંગે લોકસભામાં વક્તવ્ય આપી શકે છે. 


બજેટ સત્રના બીજા ભાગમાં વર્ષ 2026-27 માટે વિવિધ મંત્રાલયોની અનુદાનની માંગણીઓ અને ફાઇનાન્સ બિલ (નાણા વિધેયક), 2026 પસાર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે, જેમાં 1 ફેબ્રુઆરીએ કેન્દ્રીય બજેટમાં રજૂ કરવામાં આવેલી તમામ કર દરખાસ્તોનો સમાવેશ થાય છે.