Tue Oct 06 2026

Logo

પરેલના રાજાના 'મહાપ્રસાદ'ને એફડીએની મંજૂરી: ભક્તોને મળશે ગુજરાતી શેફના હાથનો પ્રસાદ

2026-09-16 20:57:50
Author: Mumbai Samachar Team
પરેલના રાજાના 'મહાપ્રસાદ'ને એફડીએની મંજૂરી: ભક્તોને મળશે ગુજરાતી શેફના હાથનો પ્રસાદ

મુંબઈ: ગણેશોત્સવ દરમિયાન પરેલના રાજાના દર્શન માટે આવતા ભક્તો માટે આ વર્ષે વિશેષ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. પરેલચા મહારાજા મંડળને પાંચ દિવસના સામુદાયિક મહાપ્રસાદ માટે મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ) ની મંજૂરી મળી છે. 19થી 23 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારા આ મહાપ્રસાદનો લાભ આશરે 20 હજાર ભક્તોને મળશે.

મંડળના આયોજન મુજબ દરરોજ આશરે 3 હજાર ભક્તોને મહાપ્રસાદ પીરસવામાં આવશે. મહાપ્રસાદનું વિતરણ રાત્રે 8 વાગ્યાથી શરૂ થશે અને ભક્તોની સંખ્યા તથા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને મોડી રાત સુધી ચાલુ રહેશે. ગણેશોત્સવ દરમિયાન પરેલ-લાલબાગ વિસ્તારમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટતા હોવાથી મંડળ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

મહાપ્રસાદ માટે ખાસ ગુજરાતથી રસોઈયાઓને બોલાવવામાં આવ્યા છે. મંડળના જણાવ્યા અનુસાર ભોજન સંપૂર્ણ સાત્ત્વિક રાખવામાં આવશે. ભોજન બનાવવામાં લસણ, ડુંગળી અને આદુનો ઉપયોગ કરવામાં આવશે નહીં. પાંચેય દિવસ ભક્તોને અલગ-અલગ પ્રકારનું મેનુ પીરસવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

મહાપ્રસાદના મેનુમાં પુરી અથવા રોટલી સાથે વિવિધ મીઠાઈ અને ફરસાણનો સમાવેશ કરવામાં આવ્યો છે. લાડુ, ગુલાબજાંબુ, રસગુલ્લા અને જલેબી ઉપરાંત સમોસા, ઢોકળા તથા અન્ય વાનગીઓ પણ પીરસવામાં આવશે. દરરોજ મેનુમાં ફેરફાર રાખવામાં આવશે, જેથી ભક્તોને વિવિધ વાનગીઓનો પ્રસાદ મળી શકે.

મોટા પાયે મહાપ્રસાદના આયોજનને ધ્યાનમાં રાખીને એફડીએ દ્વારા ફૂડ સેફ્ટી અને સ્વચ્છતા અંગે ખાસ નિયમો લાગુ કરવામાં આવ્યા છે. તુકારામ મુંઢેના નિર્દેશ હેઠળ આવા સામુદાયિક ભોજન કાર્યક્રમોની અગાઉથી માહિતી FDAને આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ખોરાકની ગુણવત્તા, સ્વચ્છતા અને સુરક્ષાના ધોરણોનું પાલન થાય તે માટે તંત્ર દ્વારા દેખરેખ રાખવામાં આવી રહી છે.

પાંચ દિવસમાં આશરે 20 હજાર ભક્તો સુધી મહાપ્રસાદ પહોંચાડવાનો હોવાથી રસોઈ બનાવવાથી લઈને ભોજનના વિતરણ સુધી સ્વચ્છતા જાળવવી મહત્વપૂર્ણ રહેશે. એફડીએની મંજૂરી બાદ હવે પરેલના રાજાના મહાપ્રસાદની તૈયારીઓએ જોર પકડ્યું છે. ગણેશોત્સવ દરમિયાન મોટી સંખ્યામાં ઉમટનારા ભક્તો માટે આ મહાપ્રસાદ ખાસ આકર્ષણ બનવાની અપેક્ષા છે.