પાલઘર: પ્રેમ પ્રકરણના વિવાદમાં બૉયફ્રેન્ડ દ્વારા કરાયેલા કોયતાના સાતથી આઠ ઘાથી ગંભીર રીતે ઘવાયેલી પાલઘરની ઉચ્ચ અધિકારીનું આખરે બે મહિને હૉસ્પિટલમાં મૃત્યુ થયું હતું.
પાલઘર જિલ્લાધિકારી કાર્યાલયમાં ફરજ બજાવતી મહેસૂલી અધિકારી સ્નેહલ સાવંત પર 12 જૂને ગોલ્ડ સિનેમા પાસેની ગલીમાં કોયતાથી હુમલો થયો હતો. આ ભયાનક હુમલાની ઘટના ઈમારત બહારના સીસીટીવી કૅમેરામાં કેદ થઈ હતી. ગંભીર રીતે ઘવાયેલી સાવંતને પુણેની ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આખરે બે મહિના બાદ બુધવારે તેનું મૃત્યુ થયું હતું.
પોલીસ સૂત્રો અનુસાર પ્રેમ પ્રકરણમાં વિવાદને પગલે અમોલ મુળેએ આ હુમલો કર્યો હતો. સાંજે 6.30 વાગ્યાની આસપાસ સ્નેહલ ઘરે જવા નીકળી ત્યારે મુળેએ કોયતાના સાતથી આઠ ઘા ઝીંક્યા હતા. ગંભીર હાલતમાં સ્નેહલને પહેલાં પાલઘરની ગ્રામીણ હૉસ્પિટલમાં લઈ જવાઈ હતી. વધુ સારવાર માટે તેને પુણેની ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરાઈ હતી.
દરમિયાન હુમલા બાદ ફરાર થઈ ગયેલા મુળેની શોધ માટે પોલીસની અલગ અલગ ટીમ બનાવાઈ હતી. બે દિવસની તપાસ પછી આખરે વરખુંટી પરિસરમાંથી તે પકડાયો હતો. અત્યારે અદાલતી કસ્ટડીમાં રહેલા મુળેને થાણે સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યો છે. તે સમયે પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો હતો, પરંતુ હવે સ્નેહલના મૃત્યુને પગલે હત્યાની કલમ ઉમેરવાની પ્રક્રિયા પોલીસે હાથ ધરી હતી.