મુંબઈ: પાલઘરમાં દહીંહંડી ફોડતી વખતે જખમી થયેલા ‘ગોવિંદાઓ’ની સારવારનાં બિલને મુદ્દે ખાનગી હૉસ્પિટલના સ્ટાફ પર હુમલો કરવામાં આવ્યાના પાંચ દિવસ બાદ શુક્રવારે પોલીસે શિવસેનાના વિધાનસભ્યના દીકરા સહિત 14 આરોપીની ધરપકડ કરી હતી. આ મામલે અત્યાર સુધી થયેલી તપાસને બૉમ્બે હાઈ કોર્ટે ‘હાસ્યાસ્પદ અને ગંભીરપણે ભૂલભરેલી’ ગણાવી છે અને હવે ઉચ્ચ સ્તરીય અધિકારી પાસેથી આ કેસનો અહેવાલ માગ્યો છે.
પાલઘર પોલીસે દેખાવ પૂરતી કાર્યવાહી કરી છે અને કાર્યવાહી એ રીતે કરવામાં આવી છે કે અંતે આરોપીને જ લાભ થવાનો છે, એવી ટકોર હાઈ કોર્ટે કરી છે.
પાંચમી સપ્ટેમ્બરની મધરાતે ઈજાગ્રસ્ત ગોવિંદાઓને પાલઘરની રિલીફ હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા. હૉસ્પિટલ દ્વારા સારવારનો ચાર્જ વધુપડતો લગાવવામાં આવ્યો હોવાનો દાવો કરી શિવસેનાના કાર્યકરો હૉસ્પિટલમાં ઘૂસ્યા હતા અને તોડફોડ કરી હતી. ત્યાં હાજર ડૉક્ટરોને ધમકી આપ્યા પછી સ્ટાફના સભ્યોની મારપીટ કરી ઈજાગ્રસ્તોને જબરદસ્તી આઈસીયુમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.
આ કેસમાં સાતમી સપ્ટેમ્બરે શિવસેનાના પાલઘર શહેર પ્રમુખ રાહુલ ઘરતની ધરપકડ કરવામાં આવી હતી, જેને પગલે બાદમાં તેને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આ મામલે વિધાનસભ્ય રાજેન્દ્ર ગાવિતના પુત્ર રોહિત સહિત 14 જણની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે કુલ બાવીસ જણ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કર્યો હતો.
હાઈ કોર્ટમાં જસ્ટિસ એ. એસ. ગડકરી અને કમલ ખાટાની બૅન્ચે એડિશનલ ઈન્સ્પેક્ટર જનરલ ઑફ પોલીસ, કોંકણ ડિવિજનને તપાસ પર નજર રાખવા અને પોલીસે કરેલી કાર્યવાહી યોગ્ય છે કે નહીં તે અંગે 17 સપ્ટેમ્બર સુધીમાં અહેવાલ રજૂ કરવાનો આદેશ આપ્યો હતો.
બૅન્ચે પંચનામું તૈયાર કરવાથી સ્ટેશન કેસ ડાયરીમાં એન્ટ્રીઓ સુધીની કાર્યવાહીમાં દેખાવ પૂરતી તપાસ કરવામાં આવી હોવાનું જણાય છે, એવો ઠપકો આપ્યો હતો.
જુલાઈમાં થાણે જિલ્લાના ડોમ્બિવલીની મહાપાલિકા સંચાલિત હૉસ્પિટલમાં શિવસેનાના નગરસેવક રમેશ મ્હાત્રે અને તેના કાર્યકરો દ્વારા કરાયેલા હુમલાની બૅન્ચે આપમેળે નોંધ લઈને દાખલ કરેલી અરજીની સુનાવણી કરતી વખતે પાલઘરની ઘટનાની પણ નોંધ લીધી હતી. (પીટીઆઈ)