Tue Oct 06 2026

Logo

પાકિસ્તાની પ્રેક્ષકે સૅમસન સાથેની વાતચીતમાં કહ્યું, ‘અભિષેકને બોલાવ'

Seno   2026-09-24 12:27:37
Author: Ajay Motiwala
પાકિસ્તાની પ્રેક્ષકે સૅમસન સાથેની વાતચીતમાં કહ્યું, ‘અભિષેકને બોલાવ'

Image Credit: PTI


સૅનો: વિશ્વમાં ક્યાંય પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મૅચ ચાલતી હોય ત્યાં પ્રેક્ષકગણમાં ઓછામાં ઓછો એક ભારત-તરફી કે પાકિસ્તાન-તરફી પ્રેક્ષક હોય જ અને એવું મંગળવારે અહીં જાપાનની એશિયન ગેમ્સ (Asian Games)માં જોવા મળ્યું હતું.

એ મૅચ ભારત અને જાપાન વચ્ચેની હતી, પરંતુ સ્ટેડિયમમાં એક પ્રેક્ષક એવો હતો જે પાકિસ્તાની હતો અને ભારતીય ટીમનો તથા ખાસ કરીને સંજુ સૅમસન (Samson) અને અભિષેક શર્માનો ચાહક હતો.

ટી-20ની વર્લ્ડ ચેમ્પિયન અને વર્લ્ડ નંબર વન ભારતીય ટીમ જાપાન સામેની એ મૅચ મહામહેનતે બે રનથી જીતી લીધી ત્યાર પછી ભારતીય ખેલાડીઓ બાઉન્ડરી લાઇનની બહાર પ્રેક્ષકોનું મનોરંજન કરી રહ્યા હતા ત્યારે એક પ્રેક્ષક સૅમસન પાસે આવ્યો અને બોલ્યો ‘હું પાકિસ્તાનથી છું. આઇ લવ યુ, સંજુ.'

એ પાકિસ્તાની પ્રેક્ષક આટલું બોલીને અટકી નહોતો ગયો. તેણે સૅમસનને એવું પણ કહ્યું હતું કે ‘અભિષેકને બોલાવો.'

પાકિસ્તાની પ્રેક્ષક સંજુ સૅમસનના પર્ફોર્મન્સ અને શાંત સ્વભાવથી પ્રભાવિત હતો. સૅમસને પેલા પ્રેક્ષકને જવાબ આપ્યો કે ‘અભિષેક નાસ્તો કરી રહ્યો છે. નાસ્તો પૂરો કરશે એટલે અહીં આવશે. મૅચ હજી હમણાં જ પૂરી થઈ છે. પ્લીઝ, અમને થોડો સમય આપો.'

વાત અહીં સુધી જ નહોતી અટકી. પેલા પ્રેક્ષકો સૅમસનને કહ્યું, ‘ભલે હું રાહ જોઈશ. હું પાકિસ્તાનથી ખાસ આ મૅચ જોવા આવ્યો છું.'

જોકે પછીથી ભારતીય ખેલાડીઓ મેદાન પર પાછા આવ્યા નહોતા અને પ્રેક્ષકો પણ વિખેરાઈને જતા રહ્યા હતા.