નવી દિલ્હીઃ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં મોટી ઉથલપાથલ થવાની શક્યતા છે. પાકિસ્તાન માટે મુશ્કેલી ઉભી થઈ શકે છે. પાકિસ્તાન ક્રિકેટ ટીમ હાલ બાંગ્લાદેશ પ્રવાસે છે, જ્યાં બે ટેસ્ટ મેચની સીરિઝ રમાઈ રહી છે. પ્રથમ ટેસ્ટ ઢાકામાં રમાઈ રહી છે. ચાર દિવસની રમત પૂરી થઈ ગઈ છે, પરંતુ કઈ ટીમ જીતશે તે નક્કી નથી. આ દરમિયાન વરસાદ પણ વરસી રહ્યો છે, જેનાથી પાકિસ્તાનની મુશ્કેલી વધી શકે છે.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં પાકિસ્તાન પોઈન્ટ ટેબલમાં હાલ પાંચમા ક્રમે છે. તેણે બે મેચ રમી છે અને એકમાં જીત તથા એકમાં હાર થઈ છે. તેનો પીસીટી 50નો છે. પાકિસ્તાની ટીમ જો આ મેચ ન જીતે અને ડ્રૉ કરે તો પણ નુકસાન થશે. તેના પીસીટીમાં ઘટાડો થશે અને 44ની આસપાસ આવી જશે.
બાંગ્લાદેશને નજીવો ફાયદો
આ મેચ ડ્રૉ થવાથી પાકિસ્તાનને સીધું નુકસાન થશે પરંતુ બાંગ્લાદેશને ફાયદો થઈ શકે છે. બાંગ્લાદેશની વાત કરીએ તો બાંગ્લાદેશની ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં હાલ આઠમા ક્રમે છે અને તેનો પીસીટી 16.67નો છે. ટીમે માત્ર બે મેચ રમી છે, તેમાં એક હાર અને એક ડ્રૉ રહી છે. પાકિસ્તાન સામેની મેચ ડ્રૉ રહેવાથી તેનો પીસીટી 22.22 થશે. જેનાથી બાંગ્લાદેશને ફાયદો થશે.
અંતિમ દિવસ પર નજર
હજુ મેચ સમાપ્ત થવામાં એક દિવસની રાહ છે. પરંતુ હાલ વરસાદ વિલન બન્યો છે. અંતિમ દિવસના હવામાન પર આધાર રહેશે. મેચમાં બાંગ્લાદેશે પ્રથમ ઈનિંગમાં 413 રન બનાવ્યા હતા. જવાબમાં પાકિસ્તાનની ટીમ 386 રન બનાવી ઓલઆઉટ થઈ હતી. બીજી ઈનિંગમાં બાંગ્લાદેશે 94 રનમાં 2 વિકેટ ગુમાવી છે. આ રીતે બાંગ્લાદેશની કુલ લીડ 121 રન થઈ છે.