Sun Mar 08 2026

Logo

પાકિસ્તાન વર્લ્ડ કપમાંથી આઉટ, થૅન્કયુ શ્રીલંકા...

Pallekele   1 week ago
Author: Ajay Motiwala
Article Image

પલ્લેકેલઃ પાકિસ્તાને (20 ઓવરમાં 8/212) શનિવારે અહીં યજમાન શ્રીલંકા (20 ઓવરમાં 8/207)ને દિલધડક મુકાબલામાં પાંચ રનથી હરાવી દીધું હતું, પરંતુ એ પહેલાં જ પાકિસ્તાનનો સેમિ ફાઇનલની રેસમાંથી એકડો નીકળી ગયો હતો એટલે તેમણે સેલિબ્રિશન નહોતું કર્યું. શ્રીલંકાને 147 રનની અંદર પાકિસ્તાને સીમિત રાખવાના હતા, પણ 16મી ઓવરમાં શ્રીલંકાનો સ્કોર 5/148 થયો એટલે પાકિસ્તાન સેમિની દોડમાંથી બહાર ફેંકાઈ ગયું અને આપોઆપ ન્યૂ ઝીલૅન્ડે સેમિમાં પ્રવેશ કર્યો હતો.

આડકતરી રીતે શ્રીલંકાના કૅપ્ટન દાસુન શનાકા (76 અણનમ, 31 બૉલ, આઠ સિક્સર, બે ફોર) અને પવન રત્નાયકે (58 રન, 37 બૉલ, ત્રણ સિક્સર, ચાર ફોર)એ ભારતની તરફેણ કરી હતી. ખાસ કરીને શનાકાએ જબરદસ્ત ફટકાબાજીથી શ્રીલંકાને જિતાડવા પૂરો પ્રયત્ન કર્યો હતો. શાહીન આફ્રિદીની 20મી ઓવરમાં શનાકાએ ચોગ્ગા અને હૅટ-ટ્રિક છગ્ગા સાથે જીતની આશા જીવંત રાખી હતી, પણ છેલ્લા બે ડૉટ બૉલને લીધે પાકિસ્તાનને આશ્વાસન વિજય મળી ગયો હતો.

ICC

હવે ચોથી માર્ચે લગભગ સાઉથ આફ્રિકા-ન્યૂ ઝીલૅન્ડ વચ્ચે અને પાંચમી માર્ચે વાનખેડેમાં ઇંગ્લૅન્ડ તથા ભારત/વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે સેમિ ફાઇનલ રમાશે. રવિવારે ભારત-વેસ્ટ ઇન્ડિઝની મૅચ (સાંજે 7.00) છે.

એ પહેલાં, શ્રીલંકા સામે પાકિસ્તાને પ્રથમ બૅટિંગ મળ્યા બાદ 20 ઓવરમાં છેલ્લે જોરદાર ધબડકો જોવાની સાથે આઠ વિકેટે 212 રન કરીને યજમાન ટીમને 213 રનનો પડકારરૂપ લક્ષ્યાંક આપ્યો હતો. પાકિસ્તાને આ મૅચ ઓછામાં ઓછા 64 રનના માર્જિનથી જીતવાનું હતું. ઓપનર સાહિબઝાદા (100 રન, 60 બૉલ, પાંચ સિક્સર, નવ ફોર) ટી-20 વર્લ્ડ કપના ઇતિહાસમાં બે સેન્ચુરી કરનાર પ્રથમ પ્લેયર બન્યો હતો. દિલશાના મદુશન્કાએ સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી. પાકિસ્તાનની 198 રનના સ્કોર પર બે વિકેટ હતી અને 210 રન પર આઠમી વિકેટ પડી હતી.

ICC