Sun Sep 13 2026

Logo

પાકિસ્તાને બાંગ્લાદેશને ખોટું ભડકાવ્યું હતું, નકવીના અપપ્રચારની ખૂલી ગઈ પોલ...

dhaka   2026-02-20 22:49:38
Author: Ajay Motiwala
પાકિસ્તાને બાંગ્લાદેશને ખોટું ભડકાવ્યું હતું, નકવીના અપપ્રચારની ખૂલી ગઈ પોલ...

Mohsin Naqvi


ઢાકાઃ ભારતમાં ટી-20 વર્લ્ડ કપની મૅચો ન રમવાને પગલે થયેલા બાંગ્લાદેશના તાજેતરના બબાલ સંબંધમાં મોટો ખુલાસો બહાર આવ્યો છે જેમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના વિવાદાસ્પદ ચૅરમૅન મોહસિન નકવીએ બાંગ્લાદેશ (BANGLADESH)ને ભડકાવવાનું કામ કર્યું હતું. પરિણામ એ આવ્યું કે બાંગ્લાદેશ વર્લ્ડ કપ (world cup)ની બહાર થઈ ગયું અને પાકિસ્તાન હાલમાં રમી રહ્યું છે.

એક જાણીતી વેબસાઇટના અહેવાલ મુજબ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના ભૂતપૂર્વ મહાસચિવ સૈયદ અશરફુલ હકે પોતાના જ દેશના ક્રિકેટ મૅનેજમેન્ટને ઝપટમાં લીધું છે. તેમણે કહ્યું છે કે બાંગ્લાદેશનું નામ ક્રિકેટમાં સન્માનથી લેવામાં આવતું હતું, પરંતુ કેટલાક લોકોના અને સરકારના ખોટા નિર્ણયોને કારણે ક્રિકેટ જગતમાં બાંગ્લાદેશની છબિ ખરાબ થઈ ગઈ છે.

સૈયદ અશરફુલ હકે કહ્યું કે ` ક્રિકેટના વહીવટમાં કોઈ પણ વ્યક્તિનું ધ્યાન પ્રામાણિકતા તથા પ્રતિબદ્ધતા પર હોવું જોઈએ. કદાચ સમજદારીના અભાવને કારણે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ અમિનુલ ઇસ્લામ થોડા અઠવાડિયા પહેલાં પીસીબીના ચૅરમૅન નકવીની વાતોમાં આવી ગયા હતા. નકવીએ અમિનુલને પ્રભાવિત કરીને પોતાની (આઇસીસી સામેના જંગમાં) સાથે આવવા રાજી કરી લીધા હતા.'

નવાઈની વાત એ છે કે પાકિસ્તાન બોર્ડે પહેલાં બાંગ્લાદેશને ખાતરી આપી હતી કે એને (બાંગ્લાદેશની ટીમને) વર્લ્ડ કપમાંથી કાઢી નાખવામાં આવી એટલે પોતે પણ વર્લ્ડ કપનો અથવા ભારત સામેની મૅચનો બહિષ્કાર કરશે. જોકે છેવટે બન્યું એવું કે દગાબાજ પાકિસ્તાન બોર્ડે બન્ને વચન તોડ્યા અને અત્યારે વર્લ્ડ કપના સુપર-એઇટ રાઉન્ડમાં પહોંચી ગયું છે.