Sat Sep 05 2026

Logo

વરસાદની ખેંચઃ ડાંગરનો વાવેતર વિસ્તાર 3.35 ટકા ઘટીને 414.10 લાખ હેક્ટર

2026-09-01 19:55:24
Author: Ramesh Gohil
વરસાદની ખેંચઃ ડાંગરનો વાવેતર વિસ્તાર 3.35 ટકા ઘટીને 414.10 લાખ હેક્ટર

નવી દિલ્હીઃ વર્તમાન ખરીફ મોસમમાં ગત 28મી ઑગસ્ટ સુધીમાં દેશમાં ડાંગરનો વાવેતર વિસ્તાર ગત સાલના સમાનગાળાના 428.46 લાખ હેક્ટર સામે 3.35 ટકા ઘટીને 414.10 લાખ હેક્ટર રહ્યો હોવાનું સરકારી આંકડાકીય માહિતીમાં જણાવ્યું છે. 

સરકારની આંકડાકીય માહિતી અનુસાર દેશમાં ખાસ કરીને કર્ણાટક, તેલંગણા, ઝારખંડ અને મધ્ય પ્રદેશ સહિત ઘણાં રાજ્યોમાં ડાંગરના વાવેતર વિસ્તારમાં ઘટાડો થયો હોવાથી કુલ વાવેતર વિસ્તારમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. જોકે, અત્યાર સુધીમાં કુલ ખરીફ વાવેતર વિસ્તાર ગત સાલના સમાનગાળાના 1091 લાખ હેક્ટર સામે 1071.10 લાખ હેક્ટર રહ્યો છે. 

જોકે, ગત 28મી ઑગસ્ટ સુધી કઠોળનો વાવેતર વિસ્તાર ગત સાલના સમાનગાળાના 113.66 લાખ હેક્ટર સામે સાધારણ વધારા સાથે 115.05 લાખ હેક્ટર રહ્યો હતો. આ સિવાય શ્રી અન્ન અથવા તો જાડા ધાન્ય અથવા તો કડ ધાન્યનો વાવેતર વિસ્તાર ગત સાલના સમાનગાળાના 182.11 લાખ હેક્ટર સામે ઘટીને 177.90 લાખ હેક્ટર, તેલીબિયાંનો વાવેતર વિસ્તાર ઘટીને 190.45 લાખ હેક્ટર (191.45 લાખ હેક્ટર), કપાસનો વાવેતર વિસ્તાર ઘટીને 108.80 લાખ હેક્ટર (109.23 લાખ હેક્ટર) અને શેરડીનો વાવેતર વિસ્તાર ગત સાલના સમાનગાળાના 58.87 લાખ હેક્ટર સામે ઘટીને 58.46 લાખ હેક્ટરની સપાટીએ રહ્યો હોવાનું યાદીમાં ઉમેર્યું હતું.