Fri May 01 2026

Logo

ઓસ્કર 2026:  6 એવોર્ડ્સ જીતીને આ ફિલ્મનો રહ્યો દબદબો, જાણો કોણ બન્યું બેસ્ટ એક્ટર?

Los Angeles   2026-03-16 10:39:00
Author: Devayat Khatana
Article Image

લોસ એન્જલસ: મિડલ ઈસ્ટની તણાવભરી પરિસ્થિતિ વચ્ચે લોસ એન્જલસના પ્રતિષ્ઠિત ડોલ્બી થિયેટરમાં 98માં એકેડેમી એવોર્ડ્સ (ઓસ્કર 2026)નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.  આ સમારોહમાં હોલીવુડના દિગ્ગજ સિતારાઓ ઉમટી પડ્યા હતા. આ વર્ષે ડાયરેક્ટર રયાન કૂગલરની ફિલ્મ 'સીનર્સ' (Sinners) એ કુલ 16 કેટેગરીમાં નોમિનેશન મેળવીને ઈતિહાસ રચી દીધો છે. અમેરિકામાં એબીસી (ABC) પર આ ઇવેન્ટનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું, જ્યારે ભારતીય દર્શકો માટે 16 માર્ચથી 'જિયો હોટસ્ટાર' પર તેનું સ્ટ્રીમિંગ શરૂ કરવામાં આવશે. 

આ એવોર્ડ નાઈટમાં પોલ થોમસ એન્ડરસનની ફિલ્મ 'વન બેટલ આફ્ટર અનધર' (One Battle After Another) નો દબદબો જોવા મળ્યો હતો. આ ફિલ્મે કુલ 13 નોમિનેશનમાંથી 'બેસ્ટ પિક્ચર' સહિત 6 મહત્વના એવોર્ડ્સ પોતાના નામે કર્યા હતા. આ સાથે જ પોલ થોમસ એન્ડરસને 'બેસ્ટ ડાયરેક્ટર' અને 'બેસ્ટ અડેપ્ટેડ સ્ક્રીનપ્લે' નો એવોર્ડ પણ જીત્યો હતો. પ્રખ્યાત કોમેડિયન કોનન ઓ'બ્રાયને સતત બીજી વખત આ પ્રતિષ્ઠિત કાર્યક્રમના હોસ્ટ તરીકેની જવાબદારી નિભાવી હતી.

અન્ય મુખ્ય વિજેતાઓની વાત કરીએ તો, માઈકલ બી. જોર્ડનને ફિલ્મ 'સીનર્સ' માટે 'બેસ્ટ એક્ટર' અને જેસી બકલેને ફિલ્મ 'હેમનેટ' માટે 'બેસ્ટ એક્ટ્રેસ'નો એવોર્ડ મળ્યો હતો. શોન પેનને 'વન બેટલ આફ્ટર અનધર' માટે 'બેસ્ટ સપોર્ટિંગ એક્ટર' જાહેર કરવામાં આવ્યા હતા, જ્યારે એમી મેડિગને 'વેપન્સ' માટે 'બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ'નો એવોર્ડ જીત્યો હતો. ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ કેટેગરીમાં 'સેન્ટિમેન્ટલ વેલ્યુ' વિજેતા બની હતી અને એનિમેટેડ ફીચર ફિલ્મમાં 'કે-પોપ ડેમન હન્ટર્સ' એ બાજી મારી હતી.

ભારત માટે આ ઓસ્કર મિશ્ર પ્રતિસાદ લાવ્યું છે. ગ્લોબલ આઈકોન પ્રિયંકા ચોપરા જોનસે આ સમારોહમાં પ્રેઝન્ટર તરીકે હાજરી આપી ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ ઉપરાંત, ઇન્ડિયન-અમેરિકન ફિલ્મ પ્રોડ્યુસર ગીતા ગાંધબીરની ફિલ્મોને 'બેસ્ટ ડોક્યુમેન્ટરી ફીચર' અને 'શોર્ટ ફિલ્મ' કેટેગરીમાં નોમિનેશન મળ્યા હતા. જોકે, ડાયરેક્ટર નીરજ ઘેવાનની ફિલ્મ 'હોમબાઉન્ડ' બેસ્ટ ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મની અંતિમ પાંચ યાદીમાં સ્થાન મેળવવામાં અસફળ રહી હતી.