Sat Sep 12 2026

Logo

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ મહાભિયોગ લાવવાની વિપક્ષોની તૈયારી

2026-03-09 20:54:10
Author: Mumbai Samachar Team
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ મહાભિયોગ લાવવાની વિપક્ષોની તૈયારી

નવી દિલ્હીઃ વિરોધ પક્ષો પહેલી વાર મુખ્ય ચૂંટણી કમિશ્નર જ્ઞાનેશ કુમારને હટાવવાની માંગ કરતો પ્રસ્તાવ લાવવા માટે નોટિસ રજૂ કરવા માટે તૈયાર હોવાનું જાણવા મળ્યું છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર નોટિસનો ડ્રાફ્ટ તૈયાર છે અને આ અઠવાડિયે રજૂ કરવામાં આવે તેવી સંભાવના છે. મહાભિયોગ પ્રસ્તાવ લાવવા માટે નોટિસ તૈયાર કરવાની પ્રક્રિયામાં સામેલ તૃણમૂલ કોંગ્રેસના એક વરિષ્ઠ સાંસદે જણાવ્યું કે આ ૧૦૦ ટકા ટીમ પ્રયાસ હતો. નેતાએ કહ્યું કે ખરડો તૈયાર કરવો અને આયોજન ખરેખર તમામ સમાન વિચારધારા ધરાવતા પક્ષોનો ટીમ પ્રયાસ રહ્યો છે. બંને ગૃહોમાં અમલ પણ સંપૂર્ણ ટીમવર્ક હશે.

ટીએમસી નેતાએ કહ્યું કે મુખ્ય ચૂંટણી કમિશ્નર(સીઇસી) જે મહાન પદ પર બેઠા છે તેનો તેમણે સંપૂર્ણ અનાદર કર્યો છે. મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસના સૂત્રોએ જણાવ્યું કે તેઓ આ નોટિસને સમર્થન આપશે. એક અન્ય સૂત્રએ જણાવ્યું કે ઇન્ડિયા બ્લોકના અન્ય પક્ષો પણ તૈયાર છે. નોટિસ સંયુક્ત રીતે તૈયાર કરવામાં આવી છે. વિપક્ષી સાંસદો હવે બંને ગૃહોના સાંસદો પાસેથી સહીઓ એકત્રિત કરશે.

નિયમો અનુસાર નોટિસ માટે લોકસભાના ઓછામાં ઓછા ૧૦૦ સાંસદો અને રાજ્યસભાના ઓછામાં ઓછા ૫૦ સાંસદોની સહીઓ જરૂરી છે. સીઇસીને દૂર કરવાની પ્રક્રિયા સુપ્રીમ કોર્ટ અથવા હાઇકોર્ટના ન્યાયાધીશને દૂર કરવા સમાન જ છે. મહાભિયોગ માત્ર સાબિત થયેલી ગેરવર્તણૂક અથવા અસમર્થતાના આધારે જ થઇ શકે છે.

પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન અને ટીએમસીના વડા મમતા બેનર્જીએ તાજેતરમાં દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સમાં સીઇસી વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ લાવવાના વિચારને સમર્થન આપ્યું હતું. 
બેનર્જી હાલ રાજ્યમાં ચાલી રહેલા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(એસઆઇઆર)માંથી નામો દૂર કરવા સામે અનિશ્ચિતકાળ માટે ધરણા કરી રહ્યા છે.