મુંબઈ: ચીફ સિલેક્ટર અજિત આગરકર (AJIT AGARKAR)ની મુદત આવતા મહિને પૂરી થઈ રહી છે, પરંતુ એવી અટકળ થઈ રહી છે કે હવે તેની મુદત લંબાવવામાં નહીં આવે અને તેના સ્થાને વીવીએસ લક્ષ્મણ (VVS LAXMAN)ને ચીફ સિલેકટર બનાવી દેવામાં આવશે.
એક તરફ લક્ષ્મણને ઝિમ્બાબ્વેની તાજેતરની ટૂરના સફળ કોચિંગ પછી મુખ્ય હેડ-કોચ ગૌતમ ગંભીરના સ્થાને ટીમ ઇન્ડિયાનો નવો હેડ-કોચ બનાવવાની વાતો સંભળાય છે ત્યાં બીજી બાજુ લક્ષ્મણને સિલેક્શન કમિટીનો ચીફ બનાવવાનો અહેવાલ વાઇરલ થયો છે જેમાં જણાવવામાં આવ્યું છે કે આ આખા પ્રકરણમાં રોહિત શર્માની સંભવિત નિવૃત્તિનો મુદ્દો કારણરૂપ છે.

2026ના ટી-20 વર્લ્ડ કપમાં ભારત ચેમ્પિયન બન્યું ત્યારથી ચર્ચા હતી કે ચીફ સિલેકટર અજિત આગરકરને 2027ના વન-ડે વર્લ્ડ કપ સુધી હોદ્દા પરથી નહીં હટાવવામાં આવે. જોકે રોહિત શર્માને નિવૃત્તિ લેવા માટે બીસીસીઆઈમાંથી કોઈ જ પ્રકારનું દબાણ નથી કરવામાં આવી રહ્યું એવી ચોખવટ ખુદ ક્રિકેટ બોર્ડે કરવી પડી તેમ જ ઇંગ્લૅન્ડ સામેની તાજેતરની સિરીઝની છેલ્લી મૅચમાં રોહિતે સેન્ચુરી ફટકારી એ જોતાં કહેવાય છે કે આગરકરની ખુરસી હાલકડોલક થવા લાગી છે.
એક જાણીતા દૈનિકની વેબસાઈટના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે રોહિત શર્મા અને વિરાટ કોહલી 2027 વન-ડે વર્લ્ડ કપ પહેલાં નિવૃત્તિ લે એવું ખુદ ક્રિકેટ બોર્ડ નથી ઈચ્છતું અને બંનેના કરોડો ચાહકો પણ નહીં જ ઈચ્છતા હોય. આ જોતાં જરૂર પડે તો ચીફ સિલેક્ટરના પદ પર ફેરફાર કરવાનું પગલું ક્રિકેટ બોર્ડ ભરી શકે એવી ચર્ચા છે.
આ બધું જોતાં હાલના તબક્કે વીવીએસ લક્ષ્મણને ચીફ સિલેકટર બનાવવામાં આવશે તો નવાઈ નહીં લાગે. વીવીએસ લક્ષ્મણ હાલમાં બેંગ્લૂરુમાં બીસીસીઆઇના સેન્ટર ઑફ એક્સેલન્સ (સીઓઈ)નો ચીફ છે. જોકે નવા ચીફ સિલેક્ટર તરીકે તેનું નામ અગ્રેસર હોવાનું પણ મનાય છે.