Sun Jul 26 2026

Logo

ગાંધી પરિવારમાં જન્મેલી વ્યક્તિ પોતાને 'પીએમ-ઈન વેઈટિંગ' સમજે છે: નિશિકાંત દુબે

2026-03-11 16:41:00
Author: Viral Rathore
Article Image

નવી દિલ્હીઃ સમગ્ર દેશમાં ગરમીનો પારો ઊંચે ચડી રહ્યો છે પણ પાટનગરમાં રાજકીય ગરમાવો ઔર વધી રહ્યો છે, તેમાંય વળી વિપક્ષ પણ સ્પીકર સામે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવા આકાશ પાતાળ એક કર્યું છે. વિપક્ષ દ્વારા લોકસભા સ્પિકર ઓમ બિરલા સામે રજૂ થયેલા અવિશ્વાસના પ્રસ્તાવ પર ખેંચતાણ શરૂ થઈ ગઈ હતી. ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના સાંસદ નિશિકાંત દુબે અને વિપક્ષ નેતા રાહુલ ગાંધી વચ્ચે તણખા ઝર્યા હતા. ગાંધી પરિવાર પર ચાબખા મારતા સાંસદ નિશિકાંત દુબેએ કહ્યું હતું કે, ગાંધી પરિવારમાં જે પણ પેદા થાય છે એમને એવું લાગે છે કે તે વિપક્ષના નેતા નહીં ડાયરેક્ટ 'પીએમ-ઈન વેઈટિંગ' હોય છે.

દરેકને નિયુક્ત કરવાનો અધિકાર
નિશિકાંત દુબેએ ઉમેર્યું હતું કે, દેશના દરેક મોટા અને મહત્ત્વના સ્થાન પર જે વ્યક્તિઓ બેઠા છે એમને નિયુક્ત કરવાનો અધિકાર આ પરિવારમાં પેદા થયેલા વ્યક્તિઓનો હોય છે. રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ અત્યાર સુધીમાં 95 વખત ચૂંટણી હારી ચૂકી છે. મીડિયા અને દેશ એમને કોઈ મુદ્દા પર ગંભીરતાથી લેતો નથી. 12 વર્ષથી તેઓ સરકારમાં સત્તા પર આવ્યા નથી. પોતાના દ્રષ્ટિકોણથી તેઓ કોઈ સંસ્થા ચલાવી શકતા નથી, તેથી ઓમ બિરલાની વિરુદ્ધમાં પ્રસ્તાવ લાવવામાં આવી રહ્યો છે. હું ઓમ બિરલાને 1990થી ઓળખું છું. તેમણે આજ સુધી કોઈ પણ વ્યક્તિ સાથે ભેદભાવ કર્યો નથી. 

દરેક સાંસદ સમર્થન કરશે
આજે જ્યારે એમને બચાવવાની વાત આવી છે ત્યારે એનડીએનો દરેક સાંસદ સમર્થનમાં ઊતરશે. નિયમોનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, આ પદ પર જે પણ વ્યક્તિ હોય છે એમને અધ્યક્ષ જેવો અધિકાર હોય છે. આ એક ગરિમાભર્યું પદ છે. 'નો કોન્ફિડન્સ મોશન' પર સંસદીય બાબતોના પ્રધાન કિરણ રિજજુએ કહ્યું હતું કે, બિરલાને પાર્ટી તરફથી સારૂ સમર્થન મળી રહ્યું છે. વિપક્ષના કુલ 50 સાંસદ મને મળ્યા છે. આ સાંસદે મને કહ્યું હતું કે, તેઓ પણ આ પ્રસ્તાવની વિરૂદ્ધમાં છે. પણ રાજકીય મજબૂરીના કારણે તેઓ આ અવિશ્વાસના પ્રસ્તાવનું સમર્થન કરી રહ્યા છે.