Thu Oct 01 2026

Logo

મુંઢેની દક્ષિણ મુંબઈમાં મોટી કાર્યવાહીઃ ઓલમ્પિયા કોફી હાઉસનું લાઇસન્સ સસ્પેન્ડ

2026-09-18 19:51:01
Author: Mumbai Samachar Team
મુંઢેની દક્ષિણ મુંબઈમાં મોટી કાર્યવાહીઃ ઓલમ્પિયા કોફી હાઉસનું લાઇસન્સ સસ્પેન્ડ

મુંબઈ: IAS તુકારામ મુંઢેના નેતૃત્વ હેઠળ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતાના નિયમોના ઉલ્લંઘન બદલ મુંબઈના કોલાબા વિસ્તારમાં આવેલા પ્રસિદ્ધ ઓલિમ્પિયા કોફી હાઉસનું ફૂડ લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. 
અધિકારીઓના જણાવ્યા અનુસાર એક ગ્રાહકની ફરિયાદ બાદ FDAની ટીમે પ્રતિષ્ઠાનનું નિરીક્ષણ કર્યું હતું. તપાસ દરમિયાન ફૂડ સ્ટોરેજ એરિયા અને કિચનમાં અનેક ખામીઓ જોવા મળી હતી.

એફડીએ દ્વારા રાજ્યભરમાં ખાદ્ય પ્રતિષ્ઠાનો સામે ચલાવવામાં આવી રહેલા તપાસ અભિયાન દરમિયાન મોટી કાર્યવાહી કરવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, રાજ્યભરમાં તપાસ કરવામાં આવેલા 27 ફૂડ એસ્ટાબ્લિશમેન્ટ્સમાંથી 14ના લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ફૂડ સ્ટોરેજ એરિયામાં યુરિનલ

અધિકારીઓના જણાવ્યા અનુસાર ઓલિમ્પિયા કોફી હાઉસના ફૂડ સ્ટોરેજ એરિયામાં યુરિનલની સાથે મોટી સંખ્યામાં કોકરોચ અને માખીઓ જોવા મળી હતી. નિરીક્ષણ દરમિયાન રેફ્રિજરેટરની અંદર માંસ અને લોહીના અવશેષો પણ મળી આવ્યા હતા. 

FDAના જણાવ્યા અનુસાર કાચા શાકાહારી અને માંસાહારી ખાદ્ય પદાર્થોને યોગ્ય રીતે અલગ રાખવામાં આવ્યા નહોતા. રસોઈ બનાવવાની અને વાસણો ધોવાની જગ્યાઓ પર પણ પૂરતી સ્વચ્છતા જાળવવામાં આવી નહોતી.

તપાસ દરમિયાન ખાદ્ય પદાર્થો સીધા જમીન પર રાખવામાં આવ્યા હોવાનું અને ગંદા પાણીનો ઉપયોગ થતો હોવાની માહિતી પણ સામે આવી હતી. અધિકારીઓએ ખરાબ સ્થિતિમાં રહેલા લાકડાના ચોપિંગ બોર્ડ તેમ જ ભોજન તૈયાર કરતા કર્મચારીઓ પાસે જરૂરી સુરક્ષાત્મક કપડાં ન હોવાની નોંધ કરી હતી.

35માંથી 34 કર્મચારીમાં તાલીમનો અભાવ 

એફડીએ અનુસાર ઓલિમ્પિયા કોફી હાઉસમાં કામ કરતા 35 કર્મચારીમાંથી 34 કર્મચારીએ ફરજિયાત ફૂડ સેફ્ટી ટ્રેનિંગ લીધી નહોતી. આ ઉપરાંત, પ્રતિષ્ઠાન પાસે પાણીના જરૂરી ટેસ્ટિંગ રિપોર્ટ અને સ્વચ્છતા સંબંધિત ફરજિયાત રેકોર્ડ પણ ઉપલબ્ધ નહોતા. આ ખામીઓને ખાદ્ય સુરક્ષા નિયમોનું ગંભીર ઉલ્લંઘન ગણાવીને લાઇસન્સ સસ્પેન્ડ કર્યું છે.

હોસ્પિટલની કેન્ટીન સામે પણ કાર્યવાહી

મુંબઈ સેન્ટ્રલ સ્થિત એક હોસ્પિટલની કેન્ટિનનું લાઇસન્સ પણ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. આ હોસ્પિટલ બૃહન્મુંબઈ મહાનગરપાલિકા (BMC)ના નેજા હેઠળ સંચાલિત થાય છે અને મુંબઈની મહત્વપૂર્ણ સરકારી હોસ્પિટલોમાં સામેલ છે. FDAએ કેન્ટીનમાં ખાદ્ય સુરક્ષાના ધોરણોના ઉલ્લંઘનને કાર્યવાહીનું કારણ ગણાવ્યું હતું. 

અન્ય પ્રતિષ્ઠાનો સામે પણ કાર્યવાહી

એફડીએની કાર્યવાહી માત્ર ઓલિમ્પિયા કોફી હાઉસ અને સરકારી હોસ્પિટલની કેન્ટીન સુધી મર્યાદિત રહી નથી. ચેમ્બુર, ઘાટકોપર અને વરલી ખાતે આવેલા અનેક પ્રતિષ્ઠાનોના લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, મલાડ ઈસ્ટ, ખારઘર, રાયગઢ ખાતેના પ્રતિષ્ઠાનો સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ યાદીમાં પુણે જિલ્લાના ચાર અને નાગપુરની બે રેસ્ટોરાનો પણ સમાવેશ થાય છે.