મુંબઈ: 90 ના દશકાની ટોપ અભિનેત્રી રવીના ટંડન કોઈને કોઈ ઇવેન્ટમાં પોતાની હાજરી પુરાવતી રહે છે. થોડા દિવસ અગાઉ રવીના પંકજ ત્રિપાઠીની ફિલ્મ 'ઓહ માય ડોગ' ની સ્ક્રીનીંગમા પહોંચી હતી. તે સમયે રેડ કાર્પેટ પર તે એક કુતરાને પંપાળતી દેખાઈ હતી. આ વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વિડિયો શેર કરતા એવો દાવો કરવામાં આવ્યો હતો કે અભિનેત્રીને કૂતરાએ બચકું ભર્યું હતું. આ ખબર બાદ ચાહકોને રવીનાની ચિંતા થવા લાગી હતી, બાદમાં રવીનાએ આ વાયરલ વિડિયો વિશે શું કહ્યું તે જાણીએ.
કુતરા સાથે વિડિયો વાયરલ
રવીનાએ ખુલાસો કર્યો કે કૂતરાએ તેને કોઈપણ પ્રકારનું નુકશાન પહોચાડ્યું નથી. જયારે રવીના રેડ કાર્પેટ પર કુતરા સાથે રમી રહી હતી ત્યારે તે સાથે સાથે તસવીરો પણ પડાવી રહી હતી તે સમયે અચાનક તે એકલા પોઝ આપવા ઉભી રહી ત્યારે કૂતરાએ તેના પીળા રંગના ડ્રેસની સ્લીવની લટકતી પટ્ટી અને દોરાને પોતાના મોઢામાં પકડી લીધા હતા ત્યારે કૂતરો ભસી પણ રહ્યો હતો. જેથી લોકોને લાગ્યું કે તેણે અભિનેત્રી પર હુમલો કર્યો છે.
જો કે રવીનાએ ગભરાવવાની જગ્યાએ સમગ્ર પરિસ્થિતિને શાંતિથી સંભાળી હતી. ડોગ હેન્ડલર્સે તાત્કાલિક પરિસ્થિતિ સંભાળી હતી. ત્યારબાદ રવીનાએ ફરી પ્રેમથી કૂતરાને પંપાળ્યો હતો. ત્યારબાદ એક વાતચીતમાં રવીનાએ આ બાબતે સ્પષ્ટતા કરી હતી કે કુતરાએ તેમને નુકશાન પહોચાડ્યું નથી, એક અન્ય કૂતરો રેડ કાર્પેટ તરફ આવતા ડોગ એક્સાઈટેડ થતા ઉત્સાહમાં તેણે રવીનાના ડ્રેસને પકડી લીધો હતો.
રવીનાનો પશુ પ્રેમ
રવીના ટંડન ઘણા લાંબા સમયથી પશુ પ્રેમ અને તેના રક્ષણ માટે અવાજ ઉપાડતી આવી છે. તે સોશિયલ મીડિયા પર પ્રાણીઓના બચાવ અને તેની સંભાળની વાતો શેર કરતી રહે છે. થોડા સમય પહેલા ભારે વરસાદમાં હાઇવે પર ફસાયેલા એક કૂતરાને બચાવીને તેને એનિમલ વેલ્ફેર સંગઠન સુધી પહોંચાડવાની વાત શેર કરી હતી.