ડૉ. બળવંત જાની
ભાઈ નિરંજન રાજયગુરુ સાથે પ્રવાસમાં હોઈએ લોકસંતના સૈદ્ધંતિક પાસા મને અભ્યાસને આધારે જણાયા હોય એને વાતોનો વિષય બનાવીને તેની સમકક્ષ્ મૂકું. ગિરનાર સાહિત્યોત્સવ- જૂનાગઢ જતા પહેલા આનંદઆશ્રમનું આતિથ્ય માણીને એમને સાથે લઈને જૂનાગઢ જવા નીકળ્યા. સાથે જીવાભગતના અભ્યાસી ડો. ભાવેશ જેતપરિયાને પણ આ વખતે લીધેલા. રાત્રીના આઠેક વાગ્યાથી અમારી વાતો આરંભાઈ.
ભાઈ નિરંજને હમણાં રવિસાહેબ શિષ્ય લાલદાસ-લાલસાહેબ- પાટણ વિશે પ્રકાશિત કરેલા પુસ્તકની વાતો કહી. મને લાગ્યું છે કે મેં તાજેતરના લોકગુર્જરીના મહેશ મકવાણાના સંશોધન લેખથી કબીર પરંપરા ગુજરાતમાં પ્રારંભાઈ એ એમાંથી બે આગવી પરંપરા સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ફેલાઈ. એનું મૂળ તો કબીર સાહેબના ત્રીજા શિષ્ય પદ્મનાભ (સિદ્ધપુર-પાટણ) તથા એવા જ એક શિષ્ય જ્ઞાનીજી(સાંઝા-રાજપીપળા) માં જ માનવાનું રહે.
પદ્મનાભના શિષ્ય નીલકંઠદાસજી દુધરેજમાં સંત કબીર કે રામ કબીર પરંપરાને પ્રચલિત કરી.એ પરંપરામાં રઘુનાથદાસ, યાદવદાસ અને એના ષષ્ટમદાસ એમનાં બે સમર્થ શિષ્યો લબ્ધરામ અને ભાણસાહેબ. આદરણીય પલાણસાહેબ આનો નકાર કરે છે. એમના મત સાથે સંમત થવાતું નથી. ભાઈ નિરંજનનું લાલદાસ પુસ્તક મહત્ત્વનું છે. ભાણસાહેબ વિશેનો એમને પણ ઊંડો અભ્યાસ છે. અમે સહુ મિત્રો ભાણસાહેબનો ગુરુદ્વારો દુધરેજ અને ગુરુ ષષ્ટમદાસને જ અધિકૃત માનીએ છીએ.
સદ્ગુરુ પરત્ત્વેની શ્રદ્ધા અને સદ્ગુરુમાં જ સર્વસ્વને સમજનારા, માનનારા આણંદરામની ભજનવાણીના એ ભાવને પ્રગટાવતી ભજનવાણીને આસ્વાદીએ.
સત ચિત્ત આનંદ મેરા, સદ્ગુરુ સત ચિત્ત આનંદ મેરા
(ટેક)...1
આદિ અંત મધ્યે આપ બિરાજો, ઘાટ અઘાટ સબે તેરા;
નામ રૂપ સબ કલ્પિત જાણો, અસ્તિ ભાતિ પ્રિયા, સત. ...2
મન બુદ્ધિ ચિત્ત ઓર અહંકારાદિ, નહિ કોઈ વાહી કો હેરા;
પરા પશ્યંતિ મધ્યમા વૈખરી, તાસે રહેત હે નેરા, સત. ...3
શ્રુતિ સ્મૃતિ વેદ સબે મીલ, નેતિ નેતિ કર હેરા;
આનંદરામ સદ્ગુરુ કે ચરણે, બલ જાવું વેરા વેરા, સત. ...4
આણંદરામ ગાય છે કે મારા જીવનમાં સત્, ચિત્ત અને આનંદનું પ્રાગટય ગુરુકૃપાને કારણે જ થયું છે. આવું ટેક પંક્તિમાં પુનરુચ્ચાર કરીને કહે છે. એ એમની દૃઢ શ્રદ્ધાનું પરિચાયક છે.
પોતાના આદિ, મધ્ય અને અંત સ્વરૂપમાં ઘાટ-વિશ્રામ અને ક્રિયાશીલના એમ તમામ સ્થળે ગુરુનું જ અસ્તિત્વ એની ઉપસ્થિતિ છે. નામરૂપને ભ્રાંતિ-કલ્પના માનવી અર્થાત્ ભૌતિક સંબંધોને સ્થુળ માનવી અને જે પ્રિય છે એને પણ ભ્રાંતિ માનવાનું વલણ-મોહ-મમત્વ ને દૂર કરવાના લક્ષણવાળું વ્યક્તિત્વ એમની કૃપાથી જ ઘડાયું.
મને ગુરુકૃપાથી જ મન બુદ્ધિ અને અહંકાર વગેરે સતાવતા નથી. પરેશાન કરતા નથી. પરા, પશ્યંતી, મધ્યમા અને વૈખરી એમ વાણીના ચારેય રૂપની જાણકારી મેં મેળવી લીધી.
તેમના દ્વારા જ શ્રૃતિ, સ્મૃતિ અને વેદ આમ બધા શાસ્ત્રોનું તત્ત્વ સમજાવાયું અને અંતે નેતિ-નેતિ ભાવની પ્રતીતિ પણ સદ્ગુરુ થકી જ થઈ. આણંદરામ સદ્ગુરુ મોરારને ચરણે સમર્પિત થઈને વિલય પામવા ઈચ્છે છે. બલ જાઉ-બળી જાઉ. જાત સમર્પિત કરી દેવી, વેરા-વેરા, ક્ષણે-ક્ષણે આવો ભાવ મનમાં ધારણ કરીને જે કંઈ પ્રાપ્ત થયું અને થવાનું છે એમાં માત્ર ને માત્ર ગુરુકૃપા જ કારણભૂત છે, પોતે નહીં.
સાધનામાં સફળ થવા માટે સ્વનો લોપ સાધક માટે આવશ્યક છે. પોતે કશું જ નથી. આવા ભાવથી જ પછી પોતે જ બ્રહ્મ છે એવું સત્ય ઉચ્ચારવાની શક્તિ આપે. આનંદરામનું ગુરુમહિમાગાન ખરા અર્થમાં રવિ-ભાણ પરંપરાની સાધનાની ક્રિયાનું એક સોપાન છે.