વેલિંગ્ટનઃ ન્યૂ ઝીલૅન્ડ (New Zealand) આઠમી માર્ચે અમદાવાદમાં ટી-20 વર્લ્ડ કપમાં ભારત સામેની ફાઇનલ ન જીતી શક્યું અને પોતાના માટે નવા ઇતિહાસનું સર્જન ન કરી શક્યું, પણ રવિવારે એને એક મોટી સિદ્ધિ મેળવવાની તક તો છે જ. ન્યૂ ઝીલૅન્ડ ક્યારેય સાઉથ આફ્રિકા (South Africa) સામે બે કે બે કરતાં વધુ ટી-20 મૅચની સિરીઝ નથી જીતી શક્યું અને એ મહેણું ભાંગવાની તેને સોનેરી તક છે.
કિવીઓ 3-1ની સરસાઈ મેળવશે?
રવિવારે (ભારતીય સમય મુજબ સવારે 11.45 વાગ્યાથી) વેલિંગ્ટનમાં ન્યૂ ઝીલૅન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે સિરીઝની ચોથી ટી-20 રમાશે. પહેલી ત્રણમાંથી બે મૅચ જીતીને કિવીઓ 2-1થી આગળ છે અને રવિવારે જીતશે તો 3-1ની વિજયી સરસાઈ સાથે ટ્રોફી પર કબજો કરી લેશે. એ સાથે, ન્યૂ ઝીલૅન્ડે સાઉથ આફ્રિકાને પહેલી વાર એક કરતાં વધુ મૅચવાળી ટી-20 શ્રેણીમાં પરાજિત કર્યું કહેવાશે.
અગાઉ બન્ને દેશ વચ્ચે છ ટી-20 સિરીઝ રમાઈ હતી જેમાંથી એક જ શ્રેણી કિવીઓ જીત્યા હતા અને એ શ્રેણી ફક્ત એક ટી-20 મૅચની હતી એટલે તે શ્રેણી કરતાં મૅચ તરીકે વધુ ગણાય. એ એકમાત્ર ટી-20વાળી શ્રેણી 2005માં રમાઈ હતી એટલે કિવીઓને 21 વર્ષે ફરી સાઉથ આફ્રિકા સામે શ્રેણી જીતવાનો પણ સુવર્ણ મોકો છે.
શુક્રવારની મૅચ કિવીઓ કેવી રીતે જીત્યા?
શુક્રવારે ઑકલૅન્ડમાં ન્યૂ ઝીલૅન્ડે સિરીઝની ત્રીજી ટી-20 મૅચ બાવીસ બૉલ અને આઠ વિકેટ બાકી રાખીને જીતી લીધી હતી. કેશવ મહારાજના સુકાનમાં સાઉથ આફ્રિકાની ટીમ બૅટિંગ મળ્યા બાદ 20 ઓવરમાં નવ વિકેટે માત્ર 136 રન બનાવી શકી હતી.
કૅપ્ટન મિચલ સૅન્ટનર, બેન સીઅર્સ અને કાઇલ જૅમીસને સૌથી વધુ બે-બે વિકેટ લીધી હતી. ન્યૂ ઝીલૅન્ડે જવાબમાં વિકેટકીપર-ઓપનર ટૉમ લેથમના અણનમ 63 રન અને મંગળવારની બીજી મૅચના હીરો ડેવૉન કૉન્વેના 39 રનની મદદથી 16.2 ઓવરમાં બે વિકેટે 137 રન કરીને આસાન વિજય મેળવી લીધો હતો.
કિવીઓની જીતની હૅટ-ટ્રિક?
રવિવાર, 15મી માર્ચે સાઉથ આફ્રિકાએ સિરીઝની પ્રથમ મૅચ સાત વિકેટે જીતી લીધી હતી. ત્યાર પછીની બન્ને મૅચ કિવીઓએ અનુક્રમે 68 રનથી અને આઠ વિકેટે જીતી લીધી હતી. હવે રવિવારે મિચલ સૅન્ટનરની ટીમને વિજયની હૅટ-ટ્રિક નોંધાવવાનો અને ઐતિહાસિક શ્રેણી જીતી લેવાનો મોકો છે.