નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે NTA માં સુધારા કરવા માટે કેન્દ્ર સરકાર શું-શું પગલાં લઈ રહી છે, તેને લઈને સુપ્રીમ કોર્ટમાં એક સોગંદનામું દાખલ કરવામાં આવ્યું છે. સરકારે આ સોગંદનામા દ્વારા કોર્ટને જણાવ્યું કે તે NTA ની પરીક્ષાઓમાં ગેરરીતિ અને પેપર લીક અટકાવવા માટે પાયાના સ્તરે મોટા ફેરફારો કરી રહી છે. જાણો સુપ્રીમ કોર્ટના સોગંદનામામાં શું-શું છે?
NTA માં મોટા સંસ્થાકીય ફેરફારોની પ્રક્રિયા: કેન્દ્ર સરકારે જણાવ્યું કે નેશનલ ટેસ્ટિંગ એજન્સીને મજબૂત અને સંસ્થાકીય બનાવવા માટે સુધારાઓ પર કામ ચાલી રહ્યું છે.
પરીક્ષા ક્ષેત્રની સુરક્ષા વધારાઈ: કેન્દ્ર સરકારે જણાવ્યું કે મિન્ટો રોડ પરિસરમાં 39 CISF જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. પ્રવેશ નિયંત્રણ, સ્ક્રીનિંગ અને સુરક્ષા તપાસ માટે એક્સ-રે બેગેજ મશીન અને મેટલ ડિટેક્ટર લગાવવામાં આવ્યા છે.
પરીક્ષા પ્રક્રિયામાં બહુ-સ્તરીય સુરક્ષા પગલાં: પ્રશ્નપત્ર તૈયાર કરવા, ભાષાંતર, પ્રિન્ટિંગ, પેકિંગ, QR કોડ દ્વારા ટ્રેકિંગ, પરિવહન, પરીક્ષા કેન્દ્રની સુરક્ષા, OMR પરત મેળવવા અને પરિણામ તૈયાર કરવા સુધીના તમામ તબક્કા માટે SOP (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર) લાગુ કરવામાં આવી છે. NTAમાં બાયોમેટ્રિક અને ફેસ ઓથેન્ટિકેશન, CCTV, મોબાઇલ જામર, AI ટૂલ્સ અને બહુ-સ્તરીય સર્વેલન્સ જેવા ઉપાયો પણ જણાવવામાં આવ્યા છે.
સાયબર સુરક્ષા પર ભાર: NTA એ સમર્પિત ચીફ ઇન્ફોર્મેશન સિક્યોરિટી ઓફિસર (CISO) ની જોગવાઈ કરી છે. માહિતી સુરક્ષા માટે CERT-In અને C-DAC સાથે સંલગ્ન એજન્સીઓ દ્વારા સ્વતંત્ર સાયબર સિક્યોરિટી ઓડિટ પણ ચાલી રહ્યું છે.
NEET ને કમ્પ્યુટર આધારિત કરવા પર વિચારણા: નંદન નિલેકણી ટાસ્ક ફોર્સ NEET-UG ને પેન-પેપર પદ્ધતિમાંથી કમ્પ્યુટર-બેઝ્ડ ટેસ્ટિંગ (CBT) માં બદલવાની શક્યતા પર વિચાર કરી રહી છે. આમાં ગ્રામીણ, મહિલા અને ઓછી કનેક્ટિવિટી ધરાવતા વિસ્તારોના ઉમેદવારો પર થતી સંભવિત અસરો જેવા પાસાંઓને પણ ધ્યાનમાં લેવામાં આવી રહ્યા છે.
NTA માં વરિષ્ઠ અધિકારીઓની નિમણૂક: કેન્દ્ર સરકારના જણાવ્યા મુજબ NTA માં વરિષ્ઠ સ્તરે અનેક અધિકારીઓની નિયુક્તિ કરવામાં આવી છે. એકલા ઓગસ્ટ 2026 માં જ 14 અધિકારીઓને NTA માં તૈનાત કરવામાં આવ્યા છે
નિષ્ણાંતોની કરી ભરતી: ટેક્નોલોજી, માનવ સંસાધન, એસેસમેન્ટ R&D, ટેસ્ટ સેન્ટર, કેન્ડિડેટ એક્સપીરિયંસ, સૂચના, પરીક્ષા સુરક્ષા અને વિજિલન્સ જેવી ક્ષેત્રોમા નિષ્ણાંતોની ભરતી કરાઇ રહી છે.
રાધાકૃષ્ણન સમિતિની 101 ભલામણો: ડો.કે. રાધાકૃષ્ણનની અધ્યક્ષતાવાળી હાઇ-લેવલ કમિટીએ 21 ઓક્ટોબર 2024એ પોતાનો રિપોર્ટ આપ્યો હતો જેમાં 101 ભલામણો સામેલ છે.
નંદન નીલેકણિની અધ્યક્ષતામાં નવી ટાસ્ક ફોર્સ -27 જુલાઇ 2026ના રોજ હાઇ-પાવર્ડ ટાસ્ક ફોર્સ બનાવાઇ છે. આનો ઉદ્દેશ NTAની પરીક્ષા વ્યવસ્થાને સુરક્ષિત, પારદર્શી, ભરોસાલાયક અને ભવિષ્યને અનુરૂપ બનાવવાનું છે.