Sun Jul 26 2026

Logo

હવે ઘરમાં PNG અને LPG બંને સાથે નહીં રાખી શકાય, સરકારે જાહેર કરી નવી ગાઈડલાઈન.

2026-03-15 10:18:00
Author: Devayat Khatana
Article Image

નવી દિલ્હી: મિડલ ઈસ્ટમાં જામેલા યુદ્ધની અસર ભારતમાં પણ જોવા મળી રહી છે અને ગેસની અછતના અહેવાલો વચ્ચે ભારત સરકારના પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલય દ્વારા 'લિક્વિેફાઇડ પેટ્રોલિયમ ગેસ (પુરવઠા અને વિતરણનું વિનિમય) સુધારા આદેશ, 2026' બહાર પાડવામાં આવ્યો છે. આ નવી અધિસૂચના મુજબ, જે ગ્રાહકોના ઘરે પાઇપ્ડ નેચરલ ગેસ (PNG) નું કનેક્શન છે, તેઓ હવેથી ઘરેલુ LPG સિલિન્ડર રાખવા માટે પાત્ર રહેશે નહીં. જીવનજરૂરી વસ્તુ અધિનિયમ, 1955 હેઠળ લેવાયેલા આ નિર્ણયનો હેતુ ઇંધણના વિતરણને વધુ સુવ્યવસ્થિત કરવાનો છે.

LPG કનેક્શન તાત્કાલિક જમા કરાવવું પડશે
નવા નિયમો અનુસાર, જે વ્યક્તિઓ પાસે PNG અને LPG બંને કનેક્શન છે, તેમણે તેમનું ઘરેલુ LPG કનેક્શન તાત્કાલિક ધોરણે સરકારી તેલ કંપની અથવા તેમના વિતરકોને પરત કરવાનું રહેશે. આવા ગ્રાહકો હવેથી કોઈપણ સરકારી તેલ કંપની પાસેથી LPG સિલિન્ડરનું રિફિલિંગ મેળવી શકશે નહીં. જેમના ઘરે પહેલેથી જ PNG કનેક્શન છે, તેમને નવું LPG કનેક્શન આપવા પર પણ સત્તાવાર રીતે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.

આ આદેશમાં તેલ કંપનીઓ માટે પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે, જો કોઈ ગ્રાહક પાસે PNG કનેક્શન હોય, તો તેને LPG સિલિન્ડર પૂરો પાડવો એ 'નિષિદ્ધ પ્રવૃત્તિ' ગણાશે. આ સુધારો સત્તાવાર ગેઝેટમાં પ્રસિદ્ધ થયાની તારીખથી જ અમલમાં આવી ગયો છે. સરકારના આ પગલાથી હવે શહેરી વિસ્તારોમાં જ્યાં પાઈપલાઈન દ્વારા ગેસ પહોંચાડવામાં આવે છે, ત્યાં સિલિન્ડરની ડ્યુઅલ કનેક્ટિવિટીનો અંત આવશે.