Mon Sep 07 2026

Logo

ઑનલાઈન ઈન્વેસ્ટમેન્ટ સ્કૅમ: રાજસ્થાનની ટોળકી પકડાઈ

2026-09-01 19:41:29
Author: Yogesh C. Patel
ઑનલાઈન ઈન્વેસ્ટમેન્ટ સ્કૅમ: રાજસ્થાનની ટોળકી પકડાઈ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં ભાડેથી ઑફિસ ખોલીને ઑનલાઈન ઈન્વેસ્ટમેન્ટ સ્કૅમ ચલાવનારા રાજસ્થાનના સાયબર ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ કરી નૉર્થ રિજન સાયબર પોલીસે છ આરોપીની ધરપકડ કરી હતી. શેલ કંપનીને નામે બૅન્ક ખાતાં ખોલાવીને તેનો ઉપયોગ સાયબર ફ્રોડથી નાણાં પ્રાપ્ત કરવામાં થતો હતો, જેમાંથી એક ખાતામાં જમા થયેલા 33 લાખ રૂપિયાનું પગેરું પકડી પોલીસ આ ટોળકી સુધી પહોંચી હતી.

પકડાયેલા આરોપીઓની ઓળખ અબિદ હુસેન સાદીક મોહમ્મદ ઉર્ફે સમીર (31), ઓમપ્રકાશ હગામીલાલજી જાટ ઉર્ફે નવલ ચૌધરી (36), સોનુ જગદીશ સપેરા (28), નરેશ સાવરલાલ જાટ (26), અરવિંદ કુમાર મહેશ કુમાર લોઢી ઉર્ફે જોસેફ (40) અને શિવમ કુમાર રામપ્રસાદ પુરોહિત ઉર્ફે કાનજી (26) તરીકે થઈ હતી. આરોપી રાજસ્થાનના ભિલવાડા અને અજમેરના વતની હોવાનું પોલીસે જણાવ્યું હતું.

અધિકારીના જણાવ્યા મુજબ આ ફ્રોડમાં સંડોવાયેલી સિન્ડિકેટ દ્વારા રાજસ્થાનથી ભરતી કરાયેલા કર્મચારીઓને મુંબઈ લાવવામાં આવતા હતા. તેમને મહિને પચીસ હજાર રૂપિયાનું વેતન અને કમિશનની લાલચ આપવામાં આવતી. બાદમાં તેમના જ દસ્તાવેજોને આધારે આ ટોળકી શેલ કંપનીઓ (માત્ર કાગળ પરની કંપની)ને નામે બૅન્ક ખાતાં ખોલાવતી હતી. મુંબઈમાં ભાડેની ઑફિસમાંથી ઑપરેટ થતા સાયબર ફ્રોડથી મેળવેલી રકમ આ બૅન્ક ખાતાંમાં જમા થતી હતી.

ફરિયાદીને શૅરબજારમાં રોકાણ સામે આકર્ષક વળતરની લાલચ બતાવી 74.26 લાખ રૂપિયા પડાવવામાં આવ્યા હતા. આમાંથી 33.25 લાખ રૂપિયા જે કંપનીના બૅન્ક ખાતામાં જમા થયા હતા તેની વિગતો પોલીસે પ્રાપ્ત કરી હતી. તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે એ બૅન્ક ખાતામાંથી ચેકથી આઠ લાખ રૂપિયા કઢાવવામાં આવ્યા હતા. આ પગેરું પકડીને પોલીસે મીરા રોડથી ચાર અને મલાડથી બે શકમંદને તાબામાં લીધા હતા. જોકે આ સિન્ડિકેટનો કથિત માસ્ટરમાઈન્ડ ફરાર હોવાનું જાણવા મળ્યું હતું.

આરોપી સોનુ ગેરમાર્ગે સિમ કાર્ડ્સ મેળવી માસ્ટરમાઈન્ડને પહોંચાડતો હતો. ઓમપ્રકાશ અબિદ અને નરેશ ભાડેની ઑફિસ, કર્મચારીઓ માટે ખાવા-પીવાની વ્યવસ્થા અને બૅન્ક ખાતાં ખોલાવવામાં કથિત રીતે મદદ કરતા હતા. એ જ રીતે અન્ય આરોપીઓને પણ અલગ અલગ કામગીરી સોંપાઈ હતી, એવું તપાસમાં જણાયું હતું.