Wed Jun 17 2026

Logo

મધ્ય પૂર્વના જંગ વચ્ચે ઉત્તર કોરિયાએ મિસાઈલ છોડતા પૂર્વ એશિયામાં તણાવ વધ્યો...

Pyongyang   2026-03-14 12:34:38
Author: Tejas Soni
Article Image

પ્યોંગયાંગ: વિશ્વની નજર જ્યારે મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ પર છે, ત્યારે પૂર્વ એશિયામાં ફરી એક વખત સૈન્ય હલચલ તેજ થઈ છે. શનિવારે ઉત્તર કોરિયાએ સમુદ્રમાં રહસ્યમય મિસાઈલ છોડતા પાડોશી દેશોમાં ફફડાટ ફેલાયો છે. દક્ષિણ કોરિયા અને જાપાને આ ઘટનાની પુષ્ટિ કરી છે, જેના કારણે પ્રાદેશિક સુરક્ષા સામે ફરી નવા જોખમો ઉભા થયા છે. આ ઘટના બાદ જાપાન અને દક્ષિણ કોરિયાના સંરક્ષણ મંત્રાલયો હાઈ એલર્ટ પર આવી ગયા છે અને સ્થિતિનું જીણવટ ભર્યુ નિરીક્ષણ કરી રહ્યા છે.

દક્ષિણ કોરિયાની સેનાના જણાવ્યા મુજબ, ઉત્તર કોરિયાએ આ મિસાઈલ તેના પૂર્વી તટ પરથી સમુદ્ર તરફ છોડી હતી. જાપાનના સંરક્ષણ મંત્રાલયના સૂત્રોએ આશંકા વ્યક્ત કરી છે કે આ એક બેલેસ્ટિક મિસાઈલ હોઈ શકે છે. જાપાનના કોસ્ટ ગાર્ડ અને જાહેર પ્રસારક NHK એ અહેવાલ આપ્યો છે કે મિસાઈલ જાપાનના સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (EEZ) ની બહાર સમુદ્રમાં પડી છે. જોકે, આ મિસાઈલની ચોક્કસ રેન્જ અને ટેકનિકલ ક્ષમતા વિશે હજુ તપાસ ચાલી રહી છે.

આ મિસાઈલ પરીક્ષણ એવા સમયે થયું છે જ્યારે અમેરિકા અને દક્ષિણ કોરિયાએ 9 માર્ચથી મોટા પાયે સંયુક્ત સૈન્ય અભ્યાસ શરૂ કર્યો છે. અમેરિકા આ અભ્યાસને સંપૂર્ણપણે રક્ષણાત્મક ગણાવે છે, પરંતુ પરમાણુ શક્તિ ધરાવતું ઉત્તર કોરિયા તેને પોતાના પર હુમલો કરવાની તૈયારી માને છે. પ્યોંગયાંગ લાંબા સમયથી આવા યુદ્ધાભ્યાસનો વિરોધ કરતું આવ્યું છે અને તાજેતરનું મિસાઈલ પરીક્ષણ એ આ સૈન્ય અભ્યાસ સામેની નારાજગી અને આક્રમક વલણનો ભાગ હોવાનું નિષ્ણાતો માની રહ્યા છે.

એક તરફ સરહદ પર તણાવ છે, તો બીજી તકફ સંવાદ શરૂ કરવાના પ્રયાસો પણ ચાલુ છે. ગુરુવારે જ દક્ષિણ કોરિયાના વડાપ્રધાને વોશિંગ્ટનમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં 2019થી અટકેલી વાતચીતને ફરી શરૂ કરવા અને પ્રાદેશિક શાંતિ સ્થાપવા અંગે ગંભીર ચર્ચા કરવામાં આવી હતી. બંને નેતાઓએ ઉત્તર કોરિયા સાથેના વિવાદને ઉકેલવા માટે રાજદ્વારી માર્ગ અપનાવવા ઈચ્છા વ્યક્ત કરી છે, જોકે આ મિસાઈલ પરીક્ષણ આ પ્રયાસોમાં અવરોધ ઉભો કરી શકે છે.